લોકસભાની ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં લોકસભાની કૂલ 543 બેઠકોમાંથી 379 બેઠકો પર મતદાન થઇ ગયું છે પણ ચારેય તબક્કાના મતદાનની ટકાવારીના મુદ્દે વિવાદ થઇ ગયો છે. ચારેય તબક્કામાં મતદાન પતે પછી ચૂંટણી પંચ દ્વારા સાંજે મતદાનના અંદાજિત આંકડા અપાય તેમાં અને મતદાનની અંતિમ ટકાવારીમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે.
મતદાનના અંતિમ આંકડામાં સરેરાશ 6.7 ટકાનો વધારો થઇ જાય છે એવું ચારેય તબક્કામાં જોવા મળ્યું છે. વિચિત્ર વાત પાછી એ છે કે, ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે બહુ બહુ તો બીજા દિવસે મતદાનના અંતિમ આંકડા જાહેર કરાતા નથી પણ દિવસો પછી અંતિમ આંકડા જાહેર કરાય છે. આ કારણે મતદાનમાં મોટા પાયે ગરબડ થઇ રહી છે કે શું એવી શંકા ઉભી થઇ ગઇ છે.
ચૂંટણી પંચ આ વાતોને નિરાધાર ગણાવી રહી છે પણ મતદાનના ચારેય તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી જાહેર કરાયેલા આંકડા અને પંચે પછીથી જાહેર કરેલા આંકડા પર નજર નાંખશો તો લાગશે કે દાળમાં કંઇક કાળું છે. 19 એપ્રિલે 102 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું પછી ચૂંટણી પંચે કહેલું કે, અંદાજિત 60 ટકા મતદાન થયું છે પણ બીજા દિવસે મતદાનના સત્તાવાર આંકડા અપાયા ત્યારે પહેલા તબક્કામાં 65.5 ટકા મતદાન થયાનું જાહેર કરાયું હતું.
26 એપ્રિલે બીજા તબક્કામાં 88 બેઠકો માટેના મતદાનની સાંજે પણ ચૂંટણી પંચે અંદાજિત 60.96 ટકા મતદાન થયું હોવાનું જાહેર કરેલું. બીજા દિવસે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે 66.7 ટકા મતદાન થયું હોવાનું જાહેર કરાયું.
આઘાતની વાત એ છે કે, આ આંકડા પણ અંતિમ નહોતા. પંચે પહેલા તબક્કાના મતદાનના એક દિવસ પછી 20 એપ્રિલે મતદાનની ટકાવારીમાં 5.5 ટકાનો વધારો બતાવ્યો ને તેના 10 દિવસ પછી 30 એપ્રિલે જાહેર કર્યું કે, પહેલા તબક્કામાં મતદાનની અંતિમ ટકાવારી 66.14 ટકા છે. મતલબ કે, મતદાનના 11 દિવસ સુધી પંચને કેટલું મતદાન થયું તેની ખબર જ નહોતી અને છેવટે જે આંકડો આવ્યો એ પહેલાં અપાયેલા આંકડા કરતા પુરા 6.14 ટકા વધારે હતો.
બીજા તબક્કાના મતદાનમાં પણ એ જ હાલત છે. 26 એપ્રિલે અપાયેલી મતદાનની ટકાવારીમાં બીજા દિવસે 5.74 ટકાનો વધારો થઇ ગયેલો ને 30 એપ્રિલે જ્યારે નવો સુધારેલો આંકડો બહાર પડાયો ત્યારે મતદાનની ટકાવારી વધીને 66.71 ટકા હોવાનું જાહેર કરાયું છે અને છેલ્લાં આંકડા જાહેર કરાયા નથી પણ આ ટકાવારી વધીને 75 ટકાની આસપાસ પહોંચી જવાની પુરી શક્યતા છે.
પહેલા બે તબક્કાના મતદાનની ટકાવારીમાં ભારે તફાવત જોવા મળ્યો પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચે ખડગે ગેરસમજો ફેલાવે છે તેવો લુલો બચાવ કરીને દલીલ કરી હતી કે, મતદાનનો સમય સાંજે 6 વાગ્યે પુર થાય પછી જે લોકો મતદાન મથકે લાઇનમાં ઉભા હોય તેમને મતદાન કરવા દેવાય છે. આ કારણે મતદાનની ટકાવારી વધી જાય છે.
આ દલીલ તદ્દન વાહિયાત છે કેમ કે પંચ મતદાનના દિવસે જે આંકડા આપે છે એ છ વાગ્યા સુધીના હોતા નથી પણ 7 વાગ્યા સુધીના હોય છે.
બીજું એ કે, સાંજે 6 વાગ્યે એટલાં બધાં લોકો લાઇનમાં ઉભા નથી હોતા કે મતદાનની ટકાવારી સીધી 5 ટકા વધી જાય. એક લોકસભા મતવિસ્તારમાં 20 લાખથી વધારે મતદારો હોય છે. સાંજે છ વાગ્યે લાખ મતદારો લાઇનમાં ઉભા હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી.
આ દલીલ બીજી રીતે પણ વાહિયાત છે. ચૂંટણી પંચ બીજા દિવસે સવારે મતદાનના આંકડા જાહેર કરે છે તેમાં અને અંતિમ આંકડામાં પણ ફરક હોય છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા મતદાન થાય છે છતાં ગણતરીમાં આટલો બધો તફાવત કઇ રીતે આવી શકે? એક લોકસભા બેઠક પર બેથી અઢી હજાર EVM ઉપયોગમાં લેવાતાં હોય છે. ક્યા EVMમાં કેટલા મત નંખાયા એ ડેટા કોમ્પ્યુટરમાં સેકન્ડોમાં નંખાઇ જાય, તેનો સરવાળો બે સેકન્ડમાં થઇ જાય એ જોતાં મતદાન પુરૂં થયાના બે કલાકમાં તો મતદાનની અંતિમ ટકાવારી ખબર પડી જાય. એ છતાં ચૂંટણી પંચ મતદાનની ટકાવારી જાહેર કરવા માટે વધારાના 12 કલાક શું કરવા લે છે? અને અંતિમ આંકડા જાહેર કરવામાં પણ 8-10 દિવસ કેમ લાગે છે?
એક વાર દરેક EVMનો ડેટા કોમ્પ્યુટરમાં ફ્રીડ થઇ ગયો પછી એ ડેટા કઇ રીતે બદલાઇ શકે? તમે કોઇ બેન્કના ATMમાંથી હજાર રૂપિયા ઉપાડો ને પાંચ મિનિટ પછી બીજા ATMમાં જઇને બેલેન્સ તપાસો તો હજાર રૂપિયા કપાયા પછીનું જ બેલેન્સ બતાવે. EVMની સિસ્ટમ પણ એવી જ હોવા છતાં 12 કલાકમાં જુદો આંકડો આવે ને અઠવાડિયા પછી જુદો આંકડો આવે એવું કેમ બને છે? આ દેશમાં વર્ષોથી EVMથી મતદાન થાય છે પણ મતદાનના અંતિમ આંકડા તરત જાહેર થઇ જતા, પાછળથી તેમાં કોઇ ફેરફાર નહોતો થતો. આ વખતે જ આ ફેરફાર કેમ જોવા મળી રહ્યો છે?
ચૂંટણી પંચ પાસે આ સવાલોના સંતોષકારક જવાબ નથી તેથી પંચ શંકાના દાયરામાં છે. કાં ચૂંટણી પંચ પોતે કોઇના ઇશારે ગરબડો કરી રહ્યું છે કે પછી EVM ગરબડવાળાં છે. બન્ને સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા વિશે શંકા જાગે છે કે જે લોકશાહી માટે ખતરારૂપ છે.