હોથલ પદમણી’ ખરેખર ક્યાંની હતી?

ઓઢો જામ અને હોથલ પદમણીની કથા જાણીતી છે. આ બન્ને પાત્રોને કચ્છને સીધો સંબંધ છે. પણ હોથલનું પગેરું કચ્છથી ખૂબ દૂર એવા દીવની બાજુમાં ફૂલેકાગઢમાં પણ મળે છે. ઉના તાલુકામાં મળે છે, બરડા ડુંગરમાં મળે છે, જૂનાગઢના કનરા ડુંગરમાં મળે છે. કચ્છના રાપરના સઈ ગામમાં હોથલપરા ડુંગર છે ત્યાં હોથલની મૂર્તિ છે. ઓઢોજામ અને હોથલ જ્યાં મળ્યા હતા એ તળાવ અંજાર તાલુકાના ભીમાસર ગામની બાજુમાં આવેલો છે. તો ગ્રીસની કથાઓમાં પણ હોથલ પદમણી જેવી કથા મળે છે. એક પાત્ર વિશેની માન્યતાઓ અને સ્થળો એકબીજાથી દૂર દૂરના વિસ્તારમાં હોય તે અચરજ ભર્યું છે. સૌથી મોટું અચરજ એ છે કે હોથલના બે દીકરા જેસલ અને જખરો પૈકી જખરાની સમાધી લખપત તાલુકાના કૈયારી ગામની બાજુમાં છે. એ વિસ્તાર એકદમ સુનકારભર્યો છે. બાજુમાં બહુ જૂનું કબ્રસ્તાન પણ છે. એ સમાધી ‘જામ જખરાપીર’ તરીકે ઓળખાય છે. ક્યાં ઉના, ક્યાં જૂનાગઢ, ક્યાં રાપર અને અને ક્યાં કૈયારી! જામ જખરાપીરને ત્યાં રહેતી બધી જ કોમ પૂજે છે પણ વિશેષ પૂજે છે ફકીરાણી જત. તારીખ ૩૧ મેના રોજ લખપત તાલુકાના BRC મિત્ર જે. ડી. મહેશ્વરીએ એ સ્થળ બતાવ્યું. ફૂંકાતો પવન અને ચોપાસ નરી શુન્યતા. કચ્છની ભૂમિ કેટકેટલા ઈતિહાસો સાચવી બેઠી છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More