રાજકોટની જનતાને હજારો સલામ…

– જનકસિંહ ઝાલા

ગેમઝોન અગ્નિકાંડને એક માસ પૂર્ણ થવાની સાથે, આ દુર્ઘટનામાં જવાબદારો સામે પોલીસ તંત્રની ઢીલી તપાસ સામે પ્રજાજનો દ્રોહ આજે રાજકોટમાં જોવા મળ્યો..ચેમ્બર સહિતના વેપારી-ઉદ્યોગ સંગઠનો પ્રત્યક્ષ રીતે ઈચ્છતાં ન હતાં છતાં રોજનું ખાઈને રોજનું રળનારો નાનો ધંધાર્થી પણ દિવંગતોના પરિવારોને ન્યાય મળે તે માટે આજના સજ્જડ બંધમાં જોડાયો…

રંગીલા રાજકોટની આ જ એક અલગ ઓળખ છે જે દુનિયાના અન્ય કોઈ પણ શહેરથી પોતાને અલગ પાડે છે. અહીં મિત્રોની મોજ પણ છે અને માનવતાની હૂંફ પણ છે. અહી અવનવા વ્યજનોનો ચીભ ઉપર ચટકારો પણ છે તો અન્યાય સામની લડત માટે એ જ જીભ ઉપર કડવાશ પણ છે. ગિલેટ ચડાવેલી જીંદગી જીવવાને બદલે રાજકોટવાસીઓના વ્યક્તિત્વમાં જ સોનેરી ચમક છે. કદાચ એટલા માટે જ આજના બંધનો સંપૂર્ણ શ્રેય માત્ર કોંગ્રેસના ખભે નાખવાને બદલે રાજકોટની જનતાને જાય છે.

સ્વાભાવિક છે, આ બંધનો ચરચરાટ સત્તાધારી પક્ષો માટે ભવિષ્યમાં ન કહેવાની જગ્યાએ મુશ્કેલી ઉભી કરશે, આદર્શના મોહરા પહેરવાની કોશિશ કરનારા આ રાજકારણીઓ આજે કુપમંડુકો (કુવાના દેડકા) બની રહ્યાં, તેમનો ડ્રાઉ ડ્રાઉ અવાજ કોઈને કાને ન પડયો, કારણ કે, જનતાનો વિરોધી સૂર હવે હાવી થઈ રહ્યો છે. દુ:ખ એ વાતનું છે કે, રાજકોટના પોલીસ તંત્રની લાગણીઓ જાણે હવે દેશવટે ગઈ છે.

રાજકારણીઓ માટે ‘ઘરઘાટી’ નું કામ કરનારા આ ખાખી વરદીધારીઓએ ‘બંધ’ સફળ ન થાય તે માટેના છેલ્લી ઘડીના તમામ પ્રયાસો કરેલા, તેઓના ઓડિયો વાયરલ થયાં બાદ અંતે તેઓને બેકફૂટ ઉપર ઉતરી આવવું પડયું છે.તેમ છતાં આજે તેઓએ વિરોધકર્તાઓની સાથે પીડિત પરિવારના સભ્યોની ટીંગાટોળી કરી છે જેને જોતા એવું લાગ્યું કે, હવે આ ખાખી વરદીમાંથી પ્રમાણિકતાની સુવાસ નહીં પરંતુ ઉબકા આવે તેવી ચાપલુસીની વાસ આવે છે.

ખેર જે પણ હોય એક વાત સત્ય છે કે, હવે એક સબળ, બલિષ્ઠ, સાત સમંદર ઉપર વિજયપતાકા લહેરાવી શકે તેવી ચેતનાનું રાજકોટની જનતામાં સર્જન થયું છે. જેનાથી માત્ર રાજકારણીઓ જ નહીં પરંતુ આ ખાખી વરદીધારીઓની પણ ફેં ફાટવાની છે. રાજકોટની આ જનતાને મારા હજારો સલામ..અસ્તુ…

Leave a Comment

Read More