વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
• સોશિયલ મીડિયાના સાવધાનીપૂર્વકના ઉપયોગ માટે ‘સાવધાન, આગળ રસ્તો લપસણો છે…’ પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી.
• કાર્યક્રમમાં ઉત્તમ વક્તાઓએ સમૂહ માધ્યમોના જુદા જુદા સ્વરૂપો અને સાહિત્યને સાંકળતી કડીઓ વિશે વિગતે છણાવટ કરી.
તારીખ ૩૦ જૂન ૨૦૨૪, રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી ‘વિશ્વ સોશિયલ મીડિયા દિવસ’ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સાહિત્ય અને સમૂહ માધ્યમો’ વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાહિત્ય અને સમૂહ માધ્યમો પરસ્પર કેવી રીતે સંકળાયેલા છે અને તેમની સમાજ પર કેવી અસર થાય છે તે બાબતના વિચારો લોકો સુધી પહોંચાડવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત ઉદ્દઘાટન બેઠકથી કરવામાં આવી જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી સમીર ભટ્ટ દ્વારા કાર્યક્રમમાં આવનારને આવકાર આપવામાં આવ્યો અને કાર્યક્રમની ભૂમિકા વિષે વાત કરવામાં આવી, તેમણે કહ્યું કે, “પરિષદમાં હંમેશા નવા વિચારોને આવકાર મળ્યો છે, અને ડિજિટલ માધ્યમો દ્વારા પણ પરિષદ લોકો સુધી પહોંચી રહી છે.” ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું સાથે જ એક સુંદર કવિતા પણ પ્રસ્તુત કરી. તેમણે જણાવ્યું કે, “સાહિત્ય અને સમૂહ માધ્યમો એકબીજા સાથે સંકળાઈને ગુજરાતી ભાષા માટે ઉત્તમ કાર્ય કરી શકે છે અને તે માટે હંમેશા પરિષદના દ્વાર ખુલ્લાં રહેશે.” પરિસંવાદના સંયોજક શ્રી હેમાંગ રાવલ દ્વારા કાર્યક્રમના વિચારબીજ વિશે વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે, “આજના સમયમાં લોકો સુધી વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયા સૌથી અગત્યનું માધ્યમ બન્યું છે પણ તેનો સાવચેતીપૂર્વકનો ઉપયોગ ખૂબ જરૂરી છે.”
ત્યારબાદ પ્રથમ બેઠકમાં ‘સાહિત્ય અને વિજાણુ માધ્યમો’ વિશે વાત કરવામાં આવી જેમાં જીટીપીએલ ચેનલ હેડ દેવાંગ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, “ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વીરરસ સંબંધિત કવિસંમેલન યોજાવું જોઈએ, જેમાં તેઓ પૂરેપૂરો સહકાર આપશે.” જે વાત પરિષદે વધાવી હતી. દૂરદર્શન – ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારે જણાવ્યું કે, “લોકો સુધી સાહિત્યને પહોંચાડવા માટે સમૂહ માધ્યમો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, દુરદર્શન પણ આવા અનેક કાર્યક્રમો આપે છે.” આકાશવાણી – આસિસ્ટન્ટ ડાયરેકટર મૌલિન મુનશી દ્વારા વિષયને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું કે, “રેડિયો સાહિત્ય પણ એક પ્રકારનું સાહિત્ય છે, રેડિયો કાન દ્વારા વાંચતા – જોતાં શીખવે છે.” ઓલ ઇન્ડિયા રેડિયો – આસિસ્ટન્ટ ડાયરેકટર ત્રિલોક સંઘાણી દ્વારા પૂરક વક્તવ્ય આપવામાં આવ્યું. તેઓએ જણાવ્યું કે, “રેડિયો એક એવું માધ્યમ છે જે દરેક વર્ગના લોકો સુધી પહોંચે છે અને લોકોને માહિતગાર કરે છે. વિજાણુ માધ્યમો હંમેશા લોકોને સરળતાથી આકર્ષિત કરે છે.”
બીજી બેઠકમાં ‘સાહિત્ય અને અખબાર-સામયિકો’ના જગત વિશે વાત કરવામાં આવી જેમાં સંદેશના મેગેઝિન એડિટર કૃષ્ણકાંત ઉનડકટ દ્વારા કહેવામાં આવ્યું કે, “સામયિકો લોકોને એવા વિષયો વિષે કહે છે જે તેઓના મગજમાં રોજબરોજ ચાલતા હોય, સામયિકો લોકોની વાતને સમજીને કાગળ પર લાવે છે.” વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને હેડલાઈન ન્યૂઝના તંત્રી જગદીશ મહેતાએ વિષયને અનુરૂપ વાત કરી. જેમાં તેમણે લોકગીત ગાઈ જણાવ્યું હતું કે, “આપણું સાહિત્ય ચોપડીમાંથી નહિ, મનથી આવે છે, ભાવથી આવે છે.” દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર લલિત ખંભાયતા દ્વારા પૂરક વક્તવ્ય આપવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું કે “સામયિકો – અખબારો લખાણને ક્રિએટિવ બનાવવા સાહિત્યની સહાય લેતા હોય છે.” આ બેઠકમાં શ્રોતાઓને મુંઝવતા સવાલોના જવાબ પણ વક્તાઓએ આપ્યા.
ત્રીજી બેઠક ‘સાહિત્ય અને સામાજિક માધ્યમો’ને સંબંધિત હતી જેમાં ‘જમાવટ’ના હેડ સુશ્રી દેવાંશી જોશીએ આજના સમયના વેબ આધારિત પત્રકારત્વ વિશે ખૂબ ઊંડાણપૂર્વક જણાવ્યું. જીએસટીવી સાથે જોડાયેલ સર્જક તુષાર દવેએ પોતાની આગવી રમુજી શૈલીમાં શ્રોતાઓને જ્ઞાન પીરસ્યું. જાણીતા લેખક-પત્રકાર ધૈવત ત્રિવેદી દ્વારા સાહિત્ય અને પત્રકારત્વ સાથેના તેમના અનેક અનુભવો રજૂ કર્યાં. પત્રકાર-લેખક બિનિત મોદી દ્વારા પૂરક વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં તેમણે સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલ રસપ્રદ જાણકારી આપી.
નવગુજરાત સમયના એડિટર અજય ઉમટ દ્વારા સમાપન વક્તવ્ય આપવામાં આવ્યું. જેમાં તેમણે જુદા જુદા સમૂહ માધ્યમોના વપરાશકર્તાના આંકડાઓ રજૂ કરી, કૃત્રિમ બૌદ્ધિકતા વિષે વાત કરી. સાથે જ, સાહિત્ય લક્ષી પત્રકારત્વની પણ વાત કરી. પરિસંવાદના સંયોજક અને ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના સદસ્ય શ્રી હેમાંગ રાવલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. પરિસંવાદ કાર્યક્રમનું સંચાલન ક્રમાનુસાર સુશ્રી હાર્દી ભટ્ટ, હેમાંગ રાવલ, પરીક્ષિત જોશી અને ભિખેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હેમાંગ રાવલ અને સુશ્રી હાર્દી ભટ્ટ લિખિત “સાવધાન, આગળ રસ્તો લપસણો છે…” નામની પુસ્તિકા ભાગ લેનાર દરેકને આપવામાં આવી, જેમાં સોશિયલ મીડિયા વાપરતી વખતે શું સાવચેતી રાખવી તેના વિશે માહિતી આપવામાં આવેલ છે. આ પુસ્તિકા ડિજિટલ જાગરૂકતા માટે હોવાથી કોપીરાઈટ મુક્ત છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ પુસ્તિકાનો ઉપયોગ શૈક્ષણિક તેમજ સામાજિક જાગરૂકતા માટે કરી શકે છે.
વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં લગભગ 300 જેટલી સંખ્યામાં સાહિત્ય રસિકો, પ્રબુદ્ધ નાગરિકો, શ્રોતાઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યાં. કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં. વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ચેરમેન શ્રી પાવન સોલંકી દ્વારા પરિષદ વતી પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ‘પરબ’ના સંપાદક કિરીટ દુધાત, ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના સભ્ય પ્રતાપસિંહ ડાભી, જયંત ડાંગોદરા, ચેતન શુક્લ, જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહ અને રમેશ મેરજા (IAS) સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi