Search
Close this search box.

Follow Us

વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં દર અમાસે લાખો લોકો ઠાકર દર્શનનો પ્રસાદનો અને કીર્તનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.
ઠાકરના લાખો સેવકોના હૃદયમા વિહળધામ અને પાળિયાદ ઠાકર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે અમાસનું ખૂબ મહાત્મ્ય છે.
વિહળધામ પાળિયાદની પાવન ધરા પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં સદાવ્રત ભજન અને ભક્તિરૂપી ત્રણ ધર્મ ધ્વજસ્તંભ અવિરત ઉભા છે. “ટુકડો ત્યાં હરિ ઢૂંકડો” એ વિચારબિંદુને સફળ કરતાં ઠાકરના પરિસરમાં અહીં ચોવિસે કલાક રોટલો ‘ને ઓટલો મળી રહે છે.
પુજ્ય વિસામણબાપુએ વર્ષો પહેલા ધી, ગોળ અને ચોખાની પ્રસાદીનું સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવાગંગા આજે પણ શરૂ છે અને હજારો,લાખો શ્રધ્ધાળુ ભાવિકો, યાત્રિકો અને દિન દુઃખિયા ઠાકરના ચરણે મસ્તક નમાવી દિવ્યતા,ભવ્યતા અને ધન્યતાનો અનુભવ કરી ઠાકરનો પ્રસાદ લે છે.
પરમ પુજ્ય શ્રી ઉનડબાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા આરંભેલી જે આજેપણ અવિરત શરું છે. જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય, એ પુણ્યશાળી ઠાકર સેવકો દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે. અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવી, ત્યાર બાદ ઢોલ- નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી, ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળીયાદ જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુ ધજાને વધાવે છે, નમન કરી માથે ચડાવે છે અને પછી ધજા ચડાવવામાં આવે છે. આ કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે. પાળીયાદના શ્રધ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામા દૂર દૂરથી આવે છે. આ સંખ્યા આજની તારીખે વધતી વધતી એક લાખથી ઉપર પહોંચી ગઈ છે, જે પૈકી સિત્તેરથી એંસી હજાર ભાવિકો પ્રસાદ લે છે.
અમાસના દિવસે પાળીયાદમાં લોક મેળા જેવો માહોલ હોય છે.
લોકો આવે છે, પ્રભુશ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. પાળીયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે,જે ભક્તોનાં મનની ઈચ્છા તરત પુરી કરે છે.
શ્રધ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી, દર્શન અને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવે છે. હાલના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુનાં દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના જન્મ સ્થળ ઓરડાનાં દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા, કે જ્યાં ૭૫૦થી વધુ ગાયો રાખેલ છે, એની મુલાકાત લે છે. ગૌમાતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે, અશ્વશાળાની મુલાકાત લે છે.અને જૂની વિન્ટેજ કારનું કલેકશન લોકોને નિહાળવા માટે જગ્યા દ્વારા કાચના શો કેસ બનાવીને ખુલ્લું મૂકેલ છે. જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. લોકો અહીં ફોટોગ્રાફી કરે છે ત્યારબાદ ભોજન- પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે.
પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રીના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે. આવી રીતે અમાસનો આખો દિવસ પાળીયાદમાં શ્રધ્ધાળુઓની ખૂબ ભીડ રહે છે.
રણુજાના રાજા અને બારબીજના ધણી રામદેવપીરના અવતાર પુજ્ય વિસામણબાપુને માનવામા આવે છે. એના અનેક ઐતિહાસિક પુરાવા પણ છે અને ઠાકર ના હજારો પરચા એની સાક્ષી પુરે છે.
જેમને પાળીયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવપીરના વરદાન પ્રમાણે “પેઢીએ પીર અને સવાયા પીર થશે” – એ વચનનું સત્ય સમયે સમયે નજરે જોઇ શકાય છે.
આ માસની અમાસ નિમિતેની રસોઈ- પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરીવારના અનન્ય સેવક શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા (મુ -બગડ, હાલ વડોદરા) એ લીધો હતો.
આજે ઠાકરની અમાસ હોવાથી આજે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઠાકરનાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સહુએ ઠાકરના દર્શન અને પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
અહેવાલ કનુભાઈ ખાચર

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More