રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ હાઇસ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો

શાળાકીય ભણતરથી કારકિર્દી ઘડતર તરફ આગેકદમ..

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રાદેશિક માહિતી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને

રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા

માહિતી ખાતાના પ્રકાશનોની જાણકારી મેળવતાં વિદ્યાર્થીઓ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૧૪ ઓગસ્ટ – ગુજરાત સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ હાઇસ્કુલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના સહયોગથી  શાળાકીય ભણતરની સાથેસાથે કારકિર્દી ઘડતર તરફ આગેકદમ કરે, તેવા ઉમદા આશયથી કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.

        આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકાબહેન પરમાર દ્વારા જ્ઞાન સાથે ગમ્મતનું સૂત્ર અપનાવીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રશ્નોતરીની સાથે માહિતી અને પ્રસારણ વિભાગની કામગીરી અંગે અવગત કરાયાં હતા. અને શિક્ષણના સ્તરની વૃદ્ધિ કરતી અને કેળવણીને પ્રોત્સાહન આપતી સરકારી યોજનાઓના લાભ વિશે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી.

        વધુમાં, શ્રી પ્રિયંકાબેને ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર સાપ્તાહિક, કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક સહિતના માહિતી ખાતાંના પ્રકાશનો બાબતે માહિતગાર કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં, તેમણે સરકારના વિવિધ વિભાગોની કામગીરી, કલ્યાણકારી યોજનાઓ અને સોશિયલ મીડિયા હેન્ડલની જાણકારી પણ આપી હતી. તેમણે વક્તવ્યના અંતે વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.

        ઉપરાંત, આ તકે શાળા સલાહકારશ્રી ભાવનાબહેન ભોજાણીએ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરનારાઓ મહાનુભાવોની જીવનકથની વર્ણવીને તેમને આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમજ રોજગાર વિનિમય કચેરીના શ્રી રાજેશભાઈ ચૌહાણે રોજગાર કચેરીની કામગીરી અને યોજનાઓ તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ કાઢવાની પ્રક્રિયા વિષયક વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

        નોંધનીય છે કે શાળાની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, લોકમેળા, આદિવાસી સંસ્કૃતિ સહિતના વિવિધ પ્રકાશનો શાળાને ભેટ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે માહિતી કચેરીના કર્મચારીશ્રી દ્રષ્ટિબહેન નથવાણી, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More