૦૦૦૦૦
મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની 120મી જન્મજયંતી અવસરે એમની જન્મભૂમિ ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) ખાતે ભાવાંજલિ અર્પણ થઈ. સ્થિત ગ્રામ પંચાયતની કચેરી ખાતે ની સ્થાપના થઈ છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, સરપંચ અબ્દુલભાઈ અલી ગઢવાળા, ઘેલાભાઈ ફાંગલીયા, રમેશભાઈ અને દર્શન બદ્રેશીયાની આ અવસ્રે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મુનિશ્રી સંતબાલજી પ્રેરિત સંસ્થાઓ : ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી)માં લાગણીથી પ્રેરાઈને પિનાકી મેઘાણી ઉપ-પ્રમુખ તરીકે માનદ્ સેવા આપે છે.
26 ઑગસ્ટ 1904 (શ્રાવણ સુદ પૂનમ : બળેવ, વિક્રમ સંવત 1960)ના રોજ ટોળ ખાતે જન્મેલા મુનિશ્રી સંતબાલજીએ ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ સ્વાવલંબન, સ્વરોજગારી, ખેડૂત-ગૌપાલકલક્ષી, ખાદી-ગ્રામોદ્યોગ, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જગાવી હતી. 26 માર્ચ 1982 (ચૈત્ર સુદ એકમ : ગુડી પડવો, વિક્રમ સંવત 2038)ના રોજ મુંબઈ ખાતે નિર્વાણ પામ્યા હતા.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત તથા ટોળ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરવામાં આવી છે જે ખાસ ઉલ્લેખનીય છે,
મોરબી જિલ્લાની મહાન વિભૂતિઓની જન્મભૂમિ : સ્વામી દયાનંદ સરસ્વતી (ટંકારા) અને શ્રીમદ્ રાજચંદ્ર (વવાણીયા)ની જેમ મુનિશ્રી સંતબાલજીની જન્મભૂમિ ટોળ ખાતે પણ ભવ્ય સ્મૃતિ-સ્થળ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવે તેવી લોકલાગણી છે.
—
આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી * ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. 9825021279 )