પાકિસ્તાનથી આવેલા અને છેલ્લા ૨૫ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરલા ગામે રહેતા ૨૨ લોકોને આવતીકાલે મળશે ભારતીય નાગરિકત્વ
૦૦૦૦૦
“અમે કોઈપણ જાતના ડર વિના માનભેર લોકોની વચ્ચે રહી શકીશું. અમને ભારતનું નાગરિકત્વ આપવા બદલ હું કેન્દ્ર- રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.” – વેરશીભાઈ સોંલકી
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા, શક્તિ મુંધવા
બ્યુરો, સુરેન્દ્રનગર:
“અમે પાકિસ્તાનમાં અનેક પ્રકારનાં ત્રાસથી કંટાળીને રણમાં થઈ ત્રણ દિવસ સુધી સતત ચાલી ભૂખ તરસ વેઠી કચ્છમાં આવ્યા હતા. પોલીસે અમને પકડી અમુક સમય સુધી તપાસ માટે કેમ્પમાં રાખ્યા હતા. ત્યારબાદ અમે ત્યાં ખેતમજુરી કરી ગુજરાન કરતા હતા. અમે પાકિસ્તાનથી આવીને ભારતમાં રહેતા હોવાથી અમારું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. અમારી પાસે નાગરિકતા ના હોવાથી અમને કોઈપણ જાતની સહાય કે લાભ મળી શકતા નથી. પરંતુ હવે CAA કાયદો લાગુ થવાથી અમને ભારતનું નાગરિકત્વ મળી શકશે. સરકારની મદદથી હવે અમારું જીવન સુરક્ષિત બનશે. અમે કોઈપણ જાતના ડર વિના માનભેર લોકોની વચ્ચે રહી શકીશું. અમને ભારતનું નાગરિકત્વ આપવા બદલ હું કેન્દ્ર- રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.” – આંખોમાં આશાનાં કિરણ સાથે ગળગળા સ્વરે બોલાયેલા આ શબ્દો છે સરલા ગામના વેરશીભાઈ સોંલકીના.
સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામે છેલ્લા ૨૫ વર્ષથી વેરશીભાઈ જેમલભાઈ સોલંકી તેમના ૦૩ ભાઈઓના પરિવારો સાથે વસવાટ કરી રહ્યા છે. તેઓના પરિવારજનો મુળ કચ્છના ધોળાવીરા ગામના વતની છે. હાલ પણ ત્યાં તેમના દુરના કુટુંબીજનો રહે છે. વર્ષ ૧૯૪૭ પહેલા અખંડ ભારત હતું, તે સમયે ધોળાવીરાથી હાલના પાકિસ્તાન કબજામાં રહેલ સીંગલચેક ગામ તા.ટંડોભાગો જી.બદીન માં મજુરી અર્થે ગયા હતા. તે પછી ભારત પાકીસ્તાન વચ્ચે લડાઈ થયેલ અને તે સમયે ભારત પાકીસ્તાનની બન્ને સરકારોએ અરસપરસ જે નાગરિકોને જયાં રહેવુ હોય ત્યાં આવવા અને જવાની છુટ આપી હતી. આ સમયે આશરે ત્રણેક માસ સુધીમાં બન્ને દેશોના સંબંધો વણસતા એકબીજા દેશના નાગરિકોને જવા આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન તેમના પરિવારના કાકાને કોઈ નાગરિકે પગમાં કુહાડી મારી હતી. જેથી છ માસ જેવા સમય માટે સારવાર અર્થે પાકીસ્તાનમાં રોકાઈ જવું પડ્યું હતું. આ સમયે બંને દેશના સંબંધો વણસેલ હોવાથી તેઓ ભારતમાં પરત આવી શક્યા ન હતા.
પાકિસ્તાનમાં ખુબ જ હેરાન થયા બાદ વેરશીભાઈ સોલંકીએ ભાઈઓ સાથે ગમે તેમ કરીને ભારત પરત આવવાનું નક્કી કર્યું. રણ મારફત કચ્છ ભુજ બોર્ડરથી ભારત આવતા બી.એસ.એફ.ના જવાનો દ્વારા પકડાઇ ગયા હતા. વર્ષ ૧૯૯૭થી મુળી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા સરલા ગામે રહીને બધા આસપાસના ગામોમાં ખેત મજુરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.
પાડોશી દેશોમાં દમનનો ભોગ બનેલા આવા વ્યક્તિઓના કલ્યાણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધતા સાથે પ્રયત્નશીલ છે. સ્વતંત્રતા દિવસના બે દિવસ બાદ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થતા આ લોકોની આંખોમાં હરખનાં આસું જોવા મળ્યા હતા.
આમ, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, ભારત દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થવાથી વર્ષોથી સુખ-સુવિધાઓથી વંચિત પરિવારોને તેમનાં સ્વપ્નોને પુરાં કરવા માટેની તકો મળશે.