રાજકોટ તા. ૨૦ ઓગસ્ટ – બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમયાંતરે વિવિધ માર્ગદર્શક કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઈશ્વરીયા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રોજગાર નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે હેતુથી સેમિનાર યોજાયો હતો.
સેમિનાર થકી વિદ્યાર્થીઓએ નિષ્ણાંતો પાસેથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછીના અવનવા અભ્યાસક્રમો તથા ત્યારબાદ કારકિર્દી માટેની વિવિધ તકો વિશે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી રાજકોટના શાળા સલાહકાર ભાવના ભોજાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓ પોતાને ગમતા ક્ષેત્રે આગળ વધે તે માટેના અભ્યાસક્રમ પસંદ કરવા જણાવી વિદ્યાર્થીઓએ કલ્પનાશક્તિ, ઈચ્છાશકિત, આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત જેવા ગુણો વિકસાવવા જોઈએ તેમ કહ્યું હતું. રોજગાર કચેરીમાંથી ઉપસ્થિત રહેલા રાજેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી શું કરવું? કયા કયા રોજગાર માટે ક્યા ક્ષેત્રો છે ? તેમજ એપ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા, વિદેશમાં અભ્યાસ માટે વિઝા, પાસપોર્ટ વગેરે વિશે ચર્ચા કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. રોજગાર કચેરીના તન્વી ત્રિવેદીએ જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સેમિનારમાં આચાર્ય રાજેશ્વરીબેન રાવલ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા