રાજકોટના રેસકોર્સ ખાતે આજથી પાંચ દિવસ લોકમેળાની રંગત શરૂ
– મહિલા આર્ટ અને ક્રાફ્ટ, સરસ મેળો તેમજ પોલીસના પ્રદર્શન સ્ટોલનું ઉદઘાટન કરાયું
૦૦૦
રાજકોટ, તા. ૨૪ ઓગસ્ટ –
રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં, રાજકોટમાં પરંપરાગત “ધરોહર લોકમેળા”નું ઉદઘાટન કર્યું હતું. આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચ દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પધાર્યા બાદ મંત્રીશ્રીએ સૌપ્રથમ રીબીન કાપીને મેળાને નાગરિકો માટે ખુલ્લો મુક્યો હતો. આ તકે વિવિધ કલાકારોએ રાસ રજુ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. ત્યારબાદ સૌ મહાનુભાવે ચાલીને લોકમેળાનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ મહિલા આર્ટ અને ક્રાફ્ટના સ્ટોલ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારીશક્તિ મહોત્સવ અંતર્ગત આયોજિત સરસ મેળો પણ ખુલ્લો મુક્યો હતો.
મંત્રીશ્રીએ લોકમેળા ગ્રાઉન્ડમાં રાજકોટ પોલીસ દ્વારા આયોજિત પ્રદર્શન કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સ્ટોલ તેમજ આત્મા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું પણ ઉદઘાટન કર્યું હતું.
આ તકે રાજકોટના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મેયર શ્રીમતી નયનાબહેન પેઢડીયા, પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,
ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ, રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, ડી.આઈ.જી. શ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી, લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા પ્રાંત-૧ અધિકારી સુશ્રી ચાંદની પરમાર તેમજ અન્ય પ્રાંત અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લોકમેળામાં બનાવાયેલા ડોમમાં વિવિધ કલાકારોએ સાંસ્કૃતિક લોકનૃત્યો રજૂ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું.