આગામી લોકસભાની ચુંટણીમાં મતાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવા મોરબી જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના ત્રણ વિધાન સભા બેઠકો માટે ખાસ ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ રદ કરવા, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા અંગેની કામગીરી થઈ રહી છે.
મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી. પંડયાએ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ-૨૦૨૪ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ભારતના ચુંટણી પંચ દ્વારા દેશકા ફોર્મ કાર્યક્રમ અને એસ.એસ.આર.-૨૦૨૩ મતદાર લાયકાત ૦૧-૦૧-૨૦૨૪ અંતર્ગત તા. ૨૭-૧૦-૨૦૨૩ થી ૨૬-૧૨-૨૦૨૩ દરમિયાન નવા મતદાર નોંધણી, મતદાર યાદીમાં સુધારણા, સ્થળાંતર, નામ કમી કરાવવાની કામગીરી ચાલી રહેલ છે.
એસ.એસ.આર. દરમિયાન મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં ફોર્મ નં. ૬ હેઠળ નવા નામ નોંધાવવા માટે ૯૧૯૮, ફોર્મ નં. ૭ નામ કમી કરાવવા માટે ૬૯૧૫, ફોર્મ નં. ૮ સુધારો અથવા સ્થળાંતર માટે ૧૦,૦૦૦ થી વધારે ફોર્મ આવ્યાં છે. આમ કુલ ૨૬,૦૦૦ થી વધારે નવા ફોર્મ મળ્યા છે. એસ.એસ.આર.માં કુલ ચાર ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫ નવેમ્બર, ૨૬ નવેમ્બર અને ૩ ડિસેમ્બરની ઝુંબેશ પૂર્ણ થયેલ છે અને હવે પછીની છેલ્લી ઝુંબેશ ૯ ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે.
વધુમાં વધુ લોકો મોરબી જિલ્લામાં તા. ૦૯-૧૨-૨૦૨૩ ના રોજ યોજાનાર ઝુંબેશનો લાભ લે તેમજ જે વ્યક્તિને સ્થળાંતર માટેનું ફોર્મ ભરવાનું હોય તેવા લોકો આ ઝુંબેશમાં મતદાન મથક પર BLOનો સંપર્ક કરી જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી. પંડ્યા એ અપીલ કરી હતી. આ સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળાએ પણ સૌને આ ઝુંબેશનો લાભ લેવા માટે અપીલ કરી છે.