‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અન્વયે મોરબી જિલ્લાના ૨૭૬૩ લાભાર્થીઓએ મેળવ્યો આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ સાથે દેશના છેવાડાના ગામડાઓમાં ઘર-ઘર સુધી પહોંચી રહી છે સરકારી યોજનાઓ
સમગ્ર ભારતના છેવાડાના ગામ સુધી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પણ આ યાત્રામાં સક્રિય રીતે જોડાયું છે. જે અન્વયે મોરબી જિલ્લાના ગામે-ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાલક્ષી કાર્યક્રમો દ્વારા વિવિધ યોજનાઓના લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવે છે.
યાત્રા દરમિયાન રથ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળે છે અને તેનું નિરાકરણ કરવાનો પ્રયાસ પણ કરે છે. જેમાંની એક સમસ્યા છે કે અચાનક આવી જતો મેડિકલ ખર્ચનો બોજો. લોકોને રોગની અસર અને તેની સારવાર માટે થતા મસમોટા મેડિકલ ખર્ચ સામે રક્ષણ આપવા સરકારશ્રી દ્વારા આયુષ્માન કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે. આ આયુષ્માન કાર્ડ યોજનામાં ૧૦ લાખની મર્યાદામાં સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્માન કાર્ડ વિશે માહિતી પુરી પાડી ઘર આંગણે લોકોને આયુષ્માન કાર્ડ બનાવી આપવાની સવલત પૂરી પાડવામાં આવી રહી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ દરમિયાન જિલ્લામાં ૬ ડિસેમ્બર સુધીમાં ૮૮ ગ્રામ પંચાયત સુધી પહોંચ્યો છે, જે દરમિયાન ૨૭૬૩ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન કાર્ડની સેવા પૂરી પાડવામાં આવી છે.
આ લાભાર્થીઓ માટે આ આયુષ્માન કાર્ડ સંકટ સમયની સાંકળ સાબિત થશે. ગરીબ લોકો જે પોતાના ઘરનો ખર્ચ પણ માંડ ચલાવી શકતા હોય ત્યારે અચાનક કોઈ દવાખાનાનો ખર્ચ આવી ચડે ત્યારે ઘર પર જાણે પહાડ તૂટી પડે છે. પરંતુ હવે આવા પરિવારો માટે આશીર્વાદ બની છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના.