પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર ચાલી રહેલા “યૌન ઉત્પીડ઼ન નિવારણ જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત, 8 ડિસેમ્બર, 2023ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસના કોન્ફરન્સ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં, ભાવનગર મંડળ અને ભાવનગર વર્કશોપના યૌન ઉત્પીડ઼ન નિવારણ સમિતિના સભ્ય સુશ્રી સુલભા પરાંજપેએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. યૌન ઉત્પીડ઼ન અધિનિયમ પર કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજરે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.
9 ડિસેમ્બર, 2013 ના રોજ યૌન ઉત્પીડ઼ન નિવારણ અધિનિયમ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ પસાર થવાને અનુલક્ષીને દર વર્ષે યૌન ઉત્પીડ઼ન નિવારણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેની સ્મૃતિમાં ભાવનગર મંડળ કચેરીના કોન્ફરન્સ હોલમાં મહિલાઓને કાર્યસ્થળે કામ કરતી વખતે પડતી મુશ્કેલીઓ, પુરૂષ કર્મચારીઓ દ્વારા થતી યૌન ઉત્પીડ઼નને રોકવાના પગલાં અને મહિલા સશક્તિકરણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યૌન ઉત્પીડ઼ન સમિતિના સભ્ય અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર, સુશ્રી નીલાદેવી ઝાલા, યૌન ઉત્પીડ઼ન સમિતિના સભ્ય અને સહાયક નર્સિંગ ઓફિસર, સુશ્રી કમલા મહિડા અને સહાયક મંડલ ઈજનેર શ્રી એન. આર. બૈરવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી અમર સિંહ સાગરના માર્ગદર્શન હેઠળ કલ્યાણ વિભાગ દ્વારા એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા સહિત કાર્યાલયમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓ અને સુપરવાઈઝર હાજર રહ્યા હતા.