૧૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉર્જા સંરક્ષણ એ માત્ર પૈસા બચાવવાનું નહિ પણ પર્યાવરણ બચાવવાનું પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે.

પ્રધાનમંત્રી ઉજાલા યોજના, બ્યુરો ઓફ એનર્જી એફીસીયન્સી દ્વારા સરકાર ઉર્જા સંરક્ષણ અને તેના થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સતત પ્રયત્નશ
ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સારું કાર્ય અને સંશોધન કરનારને સરકાર દ્વારા નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ આપીને પ્રોત્સાહિત કરાય છે
દર વર્ષે ૧૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષ ૧૯૯૧થી દર વર્ષે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારના વીજળી મંત્રાલય અંતર્ગત BEE – બ્યુરો ઓફ એનર્જી એફીસીયન્સી(ઉર્જા દક્ષતા બ્યુરો )દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોકોમાં ઉર્જા બચત અને સંરક્ષણ વિષે જાગૃતિ કેળવવા તેમજ આ ક્ષેત્રે સારું કાર્ય કરનારા લોકો અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘ઉર્જા સંરક્ષણ-એક જીવનપદ્ધતિ’ વિષયને કેન્દ્રમાં રાખીને આ દિવસની ઉજવણી કરવામાં આવશે.
પર્યાવરણની સુરક્ષા તથા નાણાંની બચત માટે વીજળીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ તેમજ બિનપરંપરાગત ઉર્જા તરફ વળવું જોઈએ. શક્ય હોય ત્યાં વૈકલ્પિક ઉર્જા સ્રોત વાપરવા જોઈએ. જેમકે ઘરગથ્થું ઉપયોગમાં સૌથી વધુ વીજળી લેતું વોટર હીટર વાપરવાનું ટાળવું જોઈએ. તેની જગ્યાએ ગેસ આધારિત હીટર કે સોલાર વોટર હીટર વાપરી શકાય. આ ઉપરાંત એ.સી. વાપરતી વખતે બિનજરૂરી રીતે વધારે ઠંડક રાખવાનું ટાળવું જોઈએ. અત્યંત ગરમ વાતાવરણમાં પણ ૨૧ ડીગ્રીથી નીચેના તાપમાનની જરૂર નથી હોતી. કારમાં પણ ૨૧થી ઓછું તાપમાન રાખી બિનજરૂરી ઠંડક રાખવાથી પ્રદુષણ વધે છે. વપરાશમાં ન હોય તે તમામ ઇલેક્ટ્રિક સાધનોની સ્વીચ બંધ રાખવી, વીજ સંચાલિત સાધનોની નિયમિત સર્વિસ કરાવવી, જેથી તેમાં જરૂર કરતા વધારે પડતી ઉર્જા ન વપરાય. અત્યંત જુના પંખા દૈનિક વપરાશમાં હોય તો તેને દુર કરી નવા પાવર સેવર પંખા કે અદ્યતન BLDC ટેકનોલોજીના કાર્યક્ષમ પંખા વાપરવા જોઈએ. જૂની ટેકનોલોજીની ટ્યુબલાઈટ તેમજ બલ્બ કે સી.એફ.એલ.ને દુર કરી પ્રકાશ માટે એલ.ઈ.ડી.નો જ ઉપયોગ કરવો જોઈએ. આઉટડોર લાઈટીંગ માટે હેલોજન ને બદલે એલ.ઈ.ડી. આધારિત લાઈટનો ઉપયોગ કરવો જોઈએ. ઔદ્યોગિક અને સામુહિક જગ્યાઓ કે જ્યાં અવરજવર વખતે જ લાઈટની જરૂર હોય ત્યાં સતત લાઈટ ચાલુ રાખવાની જગ્યાએ મોશન સેન્સર લાઈટનો ઉપયોગ કરી શકાય, જેથી અવરજવર વખતે જ આપોઆપ લાઈટ ચાલુ રહે અને બાકીના સમયમાં લાઈટ જાતે જ બંધ થતા ઉર્જા બચે. કુદરતી પ્રકાશ અને ઠંડક મળી રહે તે રીતે ઘરની ડીઝાઇન કરવી જોઈએ.

કૃત્રિમ લાઈટને બદલે કુદરતી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો, ઘરમાં આછા રંગની દીવાલોથી ઓછી ઉર્જાથી કે સૂર્યપ્રકાશથી જ ઘર પ્રકાશિત કરી શકાય. ગરમીથી બચવા બારીઓ પર જાડા પડદા લગાડવા. અગાસી ઉપર સફેદો પણ લગાડી શકાય. કુદરતી ઠંડક મેળવવા વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. ગરમ વસ્તુને સામાન્ય તાપમાને ઠંડી થાય ત્યારબાદ જ ફ્રીજમાં રાખવી. ફ્રિજ કોલ્ડ વસ્તુને રાંધતા પહેલા થોડીવાર ખુલ્લા વાતાવરણમાં રાખવાથી તે સામાન્ય તાપમાને આવી જાય છે, અને રાંધવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. આઈ.એસ.આઈ. માર્ક વાળા તેમજ સારા BEE રેટિંગ વાળા ગુણવત્તાસભર અને ઉર્જા સક્ષમ ઉપકરણો જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. રૂમમાંથી બાહર નીકળતી વખતે લાઈટ પંખા બંધ કરવાની આદત કેળવવી જોઈએ. ટ્રાફિક સિગ્નલ પર વાહન ઉભું રહે તેટલી વાર વાહન બંધ કરી દેવાથી ઇંધણની બચત થાય છે અને પ્રદુષણ અટકે છે. ઉર્જા સંરક્ષણ એ માત્ર પૈસા બચાવવાનું નહિ પણ પર્યાવરણ બચાવવાનું પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં ઉજાલા યોજના અમલી બનાવી હતી. ઊર્જા મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના એકમો વચ્ચેની ભાગીદારીથી સ્થપાયેલ એનર્જી એફિશિયન્સી સર્વિસિસ લિમિટેડ (EESL) દ્વારા સંચાલિત આ પહેલ દ્વારા નાગરીકો માટે ઓછા પાવર વપરાશવાળા એલઇડી બલ્બ, ટ્યુબલાઈટ, પંખા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને લીધે દેશભરમાં ખુબ મોટા પ્રમાણમાં વીજવપરાશ ઘટાડવામાં સફળતા મળી છે. ભારત સરકાર બિન પરંપરાગ સ્રોતો દ્વારા વધુને વધુ વીજળી ઉત્પન્ન કરીને કોલસા આધારિત વીજળી ઉત્પાદન ઘટાડવા પ્રયત્નશીલ છે, જેનાથી વીજ ઉત્પાદન થકી થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો આવશે.
અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઊર્જા મંત્રાલય દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો ઉદ્યોગ અને અન્ય સંસ્થાઓને આપવામાં આવે છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More