પરફેક્ટ ફાઉન્ડેશન ભાવનગરના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના જીવનમાં સક્ષમ બની શકે તે માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે *સક્ષમ* શીર્ષક નીચે એક સાધન સહાય કેમ્પ યોજાઈ ગયો.
આ સાધન સહાય કેમ્પમાં ભાવનગર સિવાય ગુજરાતનાં અન્ય જિલ્લાઓનાં મળી કુલ 23 દિવ્યાંગ ભાઈઓ બહેનોએ લાભ લીઘો.
દિવ્યાંગ જનોને અંદાજિત સાડા સાત લાખની કિંમતના પ્રોસ્થેટીક હાથ અને પગ, કેલીપર્સ, વ્હીલચેર વગેરે જેવા સાધનો આપી સક્ષમ બનાવવામાં આવ્યા. સાથે સાથે ખેલો ઇન્ડિયામાં પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી ભાવનગરનું નામ રોશન કરનાર સંસ્થાનાં લાભાર્થી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.
તેમજ 60 વર્ષમાં પ્રથમવાર વર્ષ 2022-23 માં કરવામાં આવેલ સેવાકીય પ્રવૃતિઓ બદલ ઇનરવ્હીલ ક્લબ ભાવનગરનાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ સન્માન બદલ પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા ઇનરવ્હીલ ક્લબ ભાવનગરનું તથા પૂર્વ પ્રમુખ એકતાબેન શાહનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં દાતાશ્રીઓ તથા શુભેચ્છકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું.
કાર્યક્રમને સફળ બનાવવા પરફેક્ટ ફાઉન્ડેશનના રાજેશભાઈ મહેતા, હિમલભાઈ પંડ્યા, તુષારભાઈ વડેરા અને હિમેશભાઈ ત્રિવેદીએ જેહમત ઉઠાવી.