ભારતના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે રાજકોટમાં તૈયાર થયેલ નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થવાનું છે, ત્યારે તેમના વિષે માહિતગાર થઈએ.
જસ્ટીસ ધનંજય યશવંત ચંદ્રચુડ, જેમની તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુએ ભારતના નવા ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તિ કરી હતી. તેમણે તા.૯ નવેમ્બર-૨૦૨૩નાં રોજ ભારતના ૫૦માં ચીફ જસ્ટીસ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને તેઓ ૧૦ નવેમ્બર,૨૦૨૪નાં રોજ ચીફ જસ્ટીસ તરીકે રીટાયર થનાર છે.
જસ્ટિસ ચંદ્રચુડનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૫૯નાં રોજ થયો હતો. તેમણે હાર્વર્ડ લો સ્કુલમાંથી LLM (માસ્ટર ઓફ લો) અને SJD (ડોક્ટર ઓફ જ્યુડીશીયલ સાયન્સીસ)ની ડીગ્રી મેળવી છે. તેઓશ્રી ૧૯૮૨ની સાલમાં એડવોકેટ બન્યા હતા. તેઓ તેમના પ્રથમ પત્નિના કેન્સરથી થયેલ નિધન બાદ બીજા પત્ની વકિલ કલ્પના દાસ અને બે દિકરીઓ સાથે રહે છે. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશપદે તેમજ બોમ્બે હાઈ કોર્ટમાં જજ તરીકે સેવા આપી ચુક્યા છે, તેમને ૨૦૧૬ની સાલમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સુપ્રિમ કોર્ટ જજ તરીકેના છ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેમણે ઘણાં અતિ મહત્વના ચુકાદાઓ આપ્યા છે, જેમાં Privacyને મુળભુત અધિકાર તરિકે ઘોષિત કરવા, ભારતીય સંવિધાનના આધારે જ્ઞાતિ અને લિંગ આધારિત ભેદભાવોની સામેની લડત, સમલૈંગિકતાનું તેમજ લગ્નેતર સંબંધોનું બિનજરૂરી અપરાધીકરણ દુર કરવા વગેરેનો સમાવેશ થાય છે. માનવાધિકારો, લૈંગિક સમાનતા, ફોજદારી કાયદાઓ તેમજ શ્રમ કાયદાઓને લગતા કેસોમાં જસ્ટીસ ચંદ્રચુડના પ્રદાને ભારતીય ન્યાયવ્યવસ્થાને વધુ સમૃદ્ધ અને સુદ્રઢ બનાવી છે. ન્યાયસંગત અને ભેદભાવહીન સમાજના નિર્માણ માટેની પ્રતિબધ્ધતા, ભાષાકીય અને ધાર્મિક લઘુમતી સમાજો પ્રત્યેનો તેમનો માનવીય અભિગમ, એચ.આઇ.વી.પોઝિટીવ લોકોના અધિકારોનું રક્ષણ, વગેરે ક્ષેત્રોમાં તેમનું યોગદાન ચિરસ્મરણીય છે.
સુપ્રિમ કોર્ટની ઇ-કમિટીના અધ્યક્ષ તરીકે જસ્ટીસ ચંદ્રચુડની ભારતીય ન્યાય વ્યવસ્થાના ડીજીટાઇઝેશનમાં ચાવીરૂપ ભુમિકા રહી છે. જેને લીધે ઇ- ફાઇલિંગ, વર્ચ્યુઅલ કોર્ટ, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ વગેરે શકય બન્યા છે.
ચિફ જસ્ટિસ બન્યા પહેલાં તેઓ હાર્વર્ડ લો સ્કુલ, યેલ લો સ્કુલ, ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, સાઉથ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવોટરસ્ટેન્ડમાં ગેસ્ટ લેક્ચરર તરીકેની સેવાઓ ઉપરાંત, યુનાઇટેડ નેશન્સના માનવાધિકારોના હાઇ કમિશન, યુ.એન. એન્વાયર્નમેન્ટલ પ્રોગ્રામ, વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ,એસોસિયેશન ઓફ એશિયન કોર્ટસ જેવી ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ ખાતે ચાવીરૂપ વક્તવ્યો આપેલા છે.
દેશના હાલના ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડના પિતાશ્રી જસ્ટીસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ પણ દેશના ૧૬મા ચીફ જસ્ટીસ તરીકે રહી ચુકયા છે. સાત વર્ષ સુધી દેશના ચીફ જસ્ટીસ પદે રહેનાર જસ્ટીસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ સૌથી લાંબો કાર્યકાળ ધરાવનારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકેની ખ્યાતિ ધરાવે છે. તેમનાં કાર્યકાળમાં ઘણા અતિ મહત્વના જજમેન્ટ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીની ૩૦ દિવસની ઐતિહાસિક જ્યુડીશીયલ કસ્ટડી સહિત શાહબાનો કેસનો બહુચર્ચિત ચુકાદો આપનાર પાંચ જજોની બેન્ચમાં તેમનો સમાવેશ મુખ્ય અને યાદગાર યોગદાન છે.