વૈશ્વિક ધરોહર હડપ્પન સાઈટ – ધોળાવીરાની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

લોકો ઝાડ-પાંદડાંના વસ્ત્રો ધારણ કરતા ત્યારે આપણા પૂર્વજોએ સુનિયોજિત મહાનગરો વિકસાવ્યા હતા
– રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી હાલ કચ્છના આંગણે પધાર્યા છે ત્યારે તેમણે આજે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે કચ્છના ખડીર બેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપ્પીન સભ્યતાના ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા રાજ્યપાલશ્રીને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ કુલ કેટલા વિસ્તારમાં આ મહાનગર ફેલાયેલું હતું, હાલ કોઈ સંશોધન ચાલું છે કે કેમ, નગરની ગટર વ્યવસ્થા, સમકાલીન મહાનગરો અને સભ્યતાઓ વગેરે બાબતોની રસપૂર્વક પૃચ્છા કરી હતી.

મ્યુઝિયમ ખાતે રાજ્યપાલશ્રીએ મહાનગરની રચના, તબક્કાવાર વિકાસ અને સંશોધન સહિતની બાબતોને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી હતી.
મ્યૂઝિયમની મુલાકાત બાદ તેમણે હડપ્પીન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. ધોળાવીરા મહાનગરનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો અને શ્રેષ્ઠ નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.

આ મુલાકાત દરમિયાન વર્ષો જૂની હડપ્પીન સંસ્કૃતિ, સભ્યતા અને રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા અને એકબીજા સાથે જોડાયેલા કુવાઓ, સુરક્ષિત દિવાલોની બનાવટ અને તકનીક, પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, અનાજના કોઠાર વગેરેનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

સ્થાનિક ટુરિસ્ટ ગાઈડ શ્રી નાગજીભાઈએ આ નગર કેવી રીતે શોધાયું, કુદરતી પથ્થર કાપીને કેવી રીતે કુવાઓ બનાવેલા છે, પાંચ હજાર વર્ષ પહેલાના આયોજિત બાંધકામ, કિંમતી પથ્થર, વર્ષો જૂની પાણી કાઢવાની વ્યવસ્થા, પીવાનું અને વાપરવાનું પાણી અલગ અલગ કરવાની વ્યવસ્થા, સાઈન બોર્ડ, ડ્રેનેજ સિસ્ટમ અને તેની સાફ સફાઈ માટેની એર વેન્ટીલેશન સિસ્ટમ સહિતની સુવિધાઓ, અન્ય સભ્યતાઓ સાથેની વ્યાપાર વ્યવસ્થા વગેરે વિશે રાજ્યપાલશ્રી સમક્ષ વિગતે છણાવટ કરી હતી.
સાઈટ પર સુઆયોજિત સ્ટેપવેલ, અપર, મિડલ અને લોવર ટાઉન વગેરેનું નિરીક્ષણ કરી રાજ્યપાલશ્રીએ જાણકારી મેળવી હતી.

ધોળાવીરા સાઈટ જોવા પધારેલા અન્ય પ્રવાસીઓ સાથે રાજ્યપાલશ્રીએ વાર્તાલાપ કર્યો હતો. શૈક્ષણિક પ્રવાસે આવેલા બાળકો અને શિક્ષકો સાથે વાત કરતાં તેમણે શિક્ષકોને આ બાળકોને વર્ષો જુની ભારતની સંસ્કૃતિ કેટલી મહાન હતી, જ્યારે દુનિયાના લોકો ઝાડ-પાંદડાંના વસ્ત્રો ધારણ કરતા ત્યારે આપણા પૂર્વજોએ આયોજિત મહાનગરો વિકસાવ્યા હતા એવી મહાન સભ્યતા વિશે માહિતી આપવા જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી સાથે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, ભુજ પ્રાંત અધિકારીશ્રી એ.બી. જાદવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરશ્રી નીરવ પટ્ટણી સહિત અધિકારીઓ સાથે રહ્યા હતા.

Leave a Comment

Read More