બે યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરીતિ સહિતના વિવાદોની જેમની સામે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે તેમજ સિન્ડિકેટ સભ્ય દ્વારા અગાઉ જેમને મહત્વની જવાબદારી ન સોંપવાનો નિર્ણય કરાયો હતો તેવા ગિતેશ જોશીને પરીક્ષા વિભાગનું સુપરવિઝન સોંપવામાં આવ્યું છે. જોકે, આ નિર્ણયને લઈ વિવાદ થયો છે અને હવે પરીક્ષા વિભાગમાં પારદર્શકતા કઈ રીતે જળવાશે તે એક સવાલ ઉભો થયો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બચાવી ચૂકેલા અને ત્યારબાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગોધરાની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂકેલા ગિતેશ જોશી શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા છે. બંને વિશ્વ વિદ્યાલયમાં તેમને પોતાની ફરજ દરમિયાન ગેરરીતિઓ આચરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રાજ્ય સરકારની તપાસ પણ ચાલી રહી હતી. જે બાદ આ અધિકારી પી.જી. વિભાગમાં હતા ત્યારે અનેક પરિપત્રોમાં ભૂલ આચરી હતી. જેથી તેમને લીગલ વિભાગનો હવાલો સોંપાયો હતો. જે બાદ અગાઉ સિન્ડિકેટની બેઠકમાં એવો ઠરાવ થયો હતો કે ગિતેશ જોશીને કોઈપણ પ્રકારની મહત્વની જવાબદારી સોંપવામાં ન આવે. જોકે, હવે આ અધિકારીને પરીક્ષા વિભાગના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ નોન ટિચિંગની 54 જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે માટે લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી હતી. જોકે, તે દરમિયાન આ ભરતી પ્રક્રિયાની ગિતેશ જોશીને જવાબદારી સોંપી હતી અને અમદાવાદની એજન્સી પાસેથી ઉમેદવારોના ફોર્મની વિગતો મંગાવવાની કામગીરી કરી હોવાનું સામે આવ્યુ હતું. જેથી બિનશૈક્ષણિકની કાયમી 54 જગ્યાઓ પરની ભરતી અટકી ગઈ હતી.જે અધિકારી સામે રાજ્ય સરકારની તપાસ ચાલી રહી હોય અને ગેરરીતિના આક્ષેપો થયા હોય તેવા અધિકારીને પરીક્ષા વિભાગની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવી કેટલી યોગ્ય છે તેવો સવાલ શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓમાં ઉઠ્યો છે. જોકે, હવે આ વિવાદિત અધિકારી દ્વારા પરીક્ષા વિભાગમાં પારદર્શકતાથી કામ કરવામા આવે છે કે કેમ તે આગામી સમયમાં જોવું મહત્વપૂર્ણ બની રહેશે.