મતદાન જાગૃતિમાં ચૂંટણી તંત્ર સાથે મોરબીની હોટલ્સનો પણ સહયોગ
મોરબી
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં જી.કે હોટલના મેનેજરશ્રી માનસિંહજીએ ૭ મી મે ના રોજ અચૂક મતદાન કરવા મોરબી જિલ્લાના મતદાતાઓને અનુરોધ કર્યો હતો. અને લોકશાહીના પર્વમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જી.કે હોટલ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. જે અન્વયે કોઈપણ વ્યક્તિ મતદાન કર્યાનું પ્રુફ બતાવશે તેઓને ફૂડ પર ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી.ઝવેરીના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. જિલ્લામાં શેરી, ગામડાઓ, શાળા-કોલેજો વગેરેમાં મતદાન માટે લોકોને પ્રેરિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્રની સાથે અનેક સંસ્થાઓ પણ લોકશાહી ના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા આગળ આવી છે. લોકશાહીના મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી મોરબીની અનેક હોટલ્સમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી ઓફર કરવામાં આવી છે.