લીંબડી રાજ્યની રાજાશાહીની રાજધાની પાળિયા વિશે કે ઈતિહાસ વિશે…

■ અંકેવાળીયા – તા. લીંબડી, જી. સુ. નગરના પાળિયા ■
===================================
ગઈકાલે તા. ૩૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ વતન લીંબડી અને તેની આસપાસના બે ગામોમાં સામાજિક કામથી જવાનું થયું હતું. લીંબડીથી લગભગ સાત કિલોમીટર દૂર વઢવાણ તરફ જવાના પહેલા ગામ અંકેવાળીયા ખાતે રસ્તા ઉપર ડાબી બાજુએ આવેલ તળાવનાં કિનારે એક પરિચિત કે જેઓ પણ સાથે આવવાના હતા તેની રાહ જોઈ ઊભા હતા.

 


આ તળાવ કિનારે પાળથી થોડીક લગભગ દસેક ફૂટ નીચે (ગામ સમલા તરફ) એક લંબચોરસ આકારની અને વિલાયતી નળિયા ઢાંકેલી, રામદેવપીરના મંદિરની બાજુમાં ઓરડી અંદાજિત ૨૫ × ૧૦ ફૂટના માપની જોવા મળેલી. ઓરડીને આગળની બાજુએ બહાર નીચે ત્રણેક ફૂટની દીવાલ અને ઉપર લોખંડના સળિયાવાળી જાળી બેસાડેલી છે. આ જાળી સાથે જય સુરાપુરા દાદા લખેલી સફેદ રંગની અનેક ધજાઓ ફરકતી હતી. મારા રસના વિષય તરીકે તરત જ મંદિરે બેઠેલ એક ગ્રામજનોને પૂછતા જાણવા મળ્યું કે એ ઓરડીમાં જુદા જુદા પાળિયા ખોડાયેલા છે! તેઓની રક્ષા માટે આ ઓરડી બનાવવામાં આવી છે.

ઘણાં ગામડાઓમાં જોયું છે તે મુજબ પાળિયા – ખાંભીઓના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોતી નથી પરંતુ આ વ્યવસ્થા ગમી હતી. ત્રણ બાજુ આખી દીવાલો અને આગળના ભાગે જાળી અને દરવાજા સાથેની આ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ પાળિયાઓની મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જમીનમાં જ ખોડાયેલા છે. કોઈ જ તળ કે ઓટો નથી.
આ ઓરડીમાં અંદર ભાગે કુલ સત્તર પૂજાતા હોય એવા બે હરોળમાં પાળિયાઓ આવેલા છે અને ઓરડીની બહારની બાજુએ વચ્ચેથી બે ભાગમાં ખંડિત થયેલ એક સામાન્ય રીતે અપૂજ જણાતો પાળિયો છે. અંદરના દરેક પાળિયા સિંદૂર લોપેલા છે. કેટલાક પાળિયા ઉપર સફેદ પાઘડીઓ જોવા મળી હતી. ઘણી બધી કંકોત્રીઓ પણ જે તે પરિવારો દ્વારા શુભ પ્રસંગોમાં આમંત્રણ હેતુથી મૂકવામાં આવી હોય તેવું પણ જોવા મળે છે. બહારનાં ભાગે જે ખંડિત અવસ્થામાં પાળિયો છે તેની નીચે લખાણ જોવા મળે છે. અંદરના કોઈ પાળિયાઓમાં લખાણ છે કે કેમ તે જોવાયું નથી કારણ કે અંદર ખૂબ જ સંકડાશ જોવા મળે છે અને આ શૂરવીરોનાં પાળિયાઓને ભૂલેચૂકે પણ પગનો સ્પર્શ ના થાય અર્થાત્ તેઓનું સન્માન જળવાઈ રહે એટલે અંદર ઉતરવાનું ટાળ્યું હતું.
મંદિરે બેઠેલા ગ્રામજનો પણ સાથે જોડાયા હતા. તેઓના કહેવા મુજબ આ પાળિયાઓ વિશે વિશેષ જાણકારી નથી પરંતુ એક મોટો પાળિયો કે જેને જનોઈ પહેરાવવામાં આવી છે તે ” પાઠકનો પાળિયો ” છે, મતલબ કે બ્રહ્મ પરિવારનો છે કે જેઓ આ ગામના જ હતા અને હાલ અહીં રહેતા નથી. આ બ્રહ્મ પરિવારને ગામનો અપૈયો છે! અપૈયો મતલબ કે ગામના અન્ન પાણી અગરાજ! તમામ સત્તર પાળિયામાં આ પાળિયો ઊંચો છે. તેઓના પરિવારો વર્ષમાં બે ચાર વખત આવે છે અને દાદાની સેવા પૂજા કરે છે. દીવાલ પરના લખાણ પરથી એવું પણ જાણવા મળે છે કે અહીંના પાળિયામાં કોઈ સતીમા પણ છે પરંતુ નજરે જોતા કોઈ સ્મારકમાં સતીમા ના હાથનું ચિહ્ન જોવા મળતું નથી.
અન્ય પાળિયા વિશે કે ઈતિહાસ વિશે ખાસ કોઈ જાણકારી મળી નથી. ગ્રામજનોના કહેવા પ્રમાણે આ દરેક પાળિયા તેઓના પરિવાર દ્વારા પૂજાય છે. આ પાળિયાનું પૂજન કરવા રાજકોટથી કારડીયા રાજપૂત પરિવારો, વઘાસિયાથી ભરવાડ પરિવારો અને શિયાણી ગામેથી ક્ષત્રિય પરિવારો કાયમ આવે છે. બ્રહ્મ પરિવાર તો ખરા જ! પણ એક બાબત ચોક્કસ માની શકાય કે અનેક જ્ઞાતિઓના પાળિયાઓ હોવાથી આ શૂરવીરો ગામના રક્ષણ માટે, ગૌ માતાઓની રક્ષા માટે કે કોઈ નારીના સહાય માટે ધીંગાણું ખેલાયું હશે અને તેમાં ગામના શૂરવીરો કામ આવી ગયા હશે.
લીંબડી રાજ્યની રાજાશાહીની રાજધાની લીંબડી હતી પણ એ પહેલા ગામ જાંબુ અને ત્યાર પછી શિયાણી અને છેલ્લે લીંબડી હતી. આ લીંબડી ઠાકોર સાહેબનાં ચોર્યાસી ગામો હોવાથી આજે પણ અહીંનું સ્થાનિક ઓળખ વાળું પરગણું એ ચોરાસી પરગણા તરીકે ઓળખાય છે. આ અંકેવાળીયા ગામના કુલ ચાર ગામો હતા જેમાં અંકેવાળીયા, ધોળી, ભડિયાદનો સમાવેશ થતો હતો. આજે આ ગામમાં ઝાલા ક્ષત્રિય સમાજના વીસ પચીસ ખોરડાઓ છે અને બાકીનો મોટો સમૂહ નોકરી ધંધાર્થે કે અન્ય કારણોસર સ્થળાંતર થયેલા છે. એ સિવાય પટેલ સમાજ, સતવારા સમાજ, બ્રહ્મ સમાજ, દરજી સમાજ, સુથાર સમાજ, ખોજા સમાજ, ભરવાડ સમાજ, ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ, ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, અનુસૂચિત જાતિ ( વાલ્મિકી, વણકર, રોહિત, બારોટ ) અને અન્ય સમાજ મળી એકંદર અઢારેય વરણનો કાયમી વસવાટ છે.
આ સર્વ સમાજના પાળિયા સ્મારકોમાં પૂજાતા દરેક શૂરવીર દાદાઓની શહાદતને સાદર અને ગૌરવપૂર્ણ વંદન કરું છું. જય હો..

■ ડૉ. રમણિક યાદવ ■
■ તા. ૦૧ મે ૨૦૨૪ ■

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More