જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે.
વેદ મા છે કે ‘સૂર્ય આત્મા જગત્સ્ય” અર્થાત આખુ જગત સૂર્ય નુ સ્વરુપ આત્મા છે.સૂર્ય એ કોઇ ભૌતીક પદાર્થ નથી સાક્ષત બ્ર્હમ“આસવ, આદિત્યો,બ્ર્હમ” પરમેશ્વર છે, સ્થાવર,જંગમ,ચેતન અને જડ,ભોગ્ય અને ભોક્તા આદિ સર્વે પદાર્થ મા તે ત્રણે લોકો ના અધીપતી ચેતન પ્રકાશ થી વ્યાપત વસે છે તેમા કોઇ આશ્ચર્ય નથી.
“આથર્વેદ સંહિતા ભાષા ભાષ્ય માં”પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર સૂર્ય પુજા ના મહ્ત્વ અંગે અભીપ્રાય આપે છે કે જગત ની કોઇ પણ પ્રજા ની ઉન્નતિ થઇ ત્યારે તેઓ ના દેવ સૂર્ય અને અગ્ની જ હતા.સૂર્યપુજા એ હિંદુ ધર્મ નુ એક અંગ છે અને કાઠી ક્ષત્રીયો ચુસ્ત સૌરધર્મી છે.
સુર્ય પૂજા પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. સૂર્ય ની સાથે શેષનાગ ના ભાઇ વાસુકિ અને બંડુક(બાંડિયા બેલી) થાન મા બિરાજે છે, પાંચ રુષીઓ જેમા કણ્વ,ગાલ્વ(વિશ્વામિત્ર ના શિષ્ય),અંગીરા(આર્યુવેદ ના ચરક રુષી ના ગુરુ,અનથ,બ્ર્હસ્પતી(દેવગુરુ) અહિ બ્ર્હમ યજ્ઞ કરેલો, જેમા દૈત્ય ભીમાસુર થી શેષનાગે તેમની સહાય કરેલી રુષીઓએ શેષનાગ ને અહિ બિરાજવાનુ કહેતા તેમણે તેમના ભાઇઓ ને અહિ રેહેવા નુ કહે છે.
સૂર્યદેવળ ને મધ્યસ્થાન માની તેની પુર્વે મુળી અને માંડવરાજ,પશ્ચિમે મહિકુ,ઉત્તર મા સરા,દક્ષીણ મા ચોટીલા, આણંદપર એ મુજબ ની પુરાણ પ્રસિધ્ધ પાંચાળ ક્ષેત્ર ની હદ બતાવાય છે.
દંતકથા એવુ પણ કહે છે કે સુરજના રથ ને પાંચાળ માં ખેચી લાવનાર સાત નાગ–ભાઈઓ હતા.સતયુગ માં આ મંદિર ની સ્થાપના સૂર્યવંશી ક્ષત્રિય રાજવી માંધાતા દ્વારા થઇ હતી, દ્વાપર માં ક્રિષ્ન અને રુક્મણી થાન આવેલા, કચ્છ ના લાખા ફુલાણી ના આટકોટ નીવાસ દરમીયાન એણે મંદિર નુ રીપેરીંગ કરાવેલુ. એ પછી વિનાસ્મકર નામના પાલીતાણા ના ઇજનેરે નિર્માણં માટે કાર્ય કરેલુ મનાય છે.
કંડોળા ટેકરી પર આવેલુ પૂર્વાભિમુખ આ બકુલાદિત્ય નુ મંદિર રથાકારે ૨૨.૩૫ N, ૭૧.૧૨ E અંશ ના ખુણે ૮૦x૨૮ ફિટ ના ક્ષેત્ર માં છે. મંદિરનું ગર્ભગૃહ ચોરસ છે. ગર્ભગૃહમાં સૂર્યમુર્તિ બિરાજમાન છે. મંદિર દ્વારશાખ ૬x૩ ફુટનું છે.આ દ્વારશાખમાં થઇને મંદિરમાં પ્રવેશાય છે. દ્વારશાખ ના ઓતરંગમાં નવગ્રહની શિલ્પો કંડારાયેલા છે. આ મંદિરનો સભામંડપ લંબચોરસ છે, જેમાં આડત્રીસ સ્તંભો આવેલા છે. મંદિરનો મંડોવર પરનો શિખર ભાગ પુનરુધ્ધાર થયેલો દેખાય છે. આ મંદિરના બાંધકામની વિશેષતા એ છે કે સૂર્યોદય થતા સૂર્યના કિરણો ગર્ભગૃહમાં રહેલી મુર્તિ પર પડે છે. ઇ.સ.૨૦૦૧માં થયેલ ધરતીકંપમાં મંદિરનો આગળનો ધુમ્મટ ધરાશાયી થતાં પુનઃ જીર્ણોધ્ધાર થયેલ છે. અવારનવાર જીર્ણોધ્ધાર થયેલ આ સુર્યમંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરેલ છે.સૂર્યંમંદિર ને અડી ને બાજુમા કશ્યપરુષી નુ નાનુ મંદિર આવેલુ છે.દંતકથા છે કે મંદિર ની પુર્વ દિશા માં નાગકુપ નામના અદ્રશ્ય સ્થળે સૂર્યદેવ ની સપ્તધાતુ ની મુર્તિ, સોનાનો રથ અને સોનાની સાંગ આવેલી છે.
બકુલાદિત્ય આ નામ સાથે સૂર્યદેવ ની પૌરાણીક કથા જોડાયેલી છે જેમા સૂર્ય નુ તેજ સહન ના થતા સંજ્ઞા ઉત્તરકુરુ(ધર્મારાયણ) મા જઇ બકુલવૃક્ષ(બોરસલી) નીચે તપસ્યા કરેલી. તે વૃક્ષ નીચે આવી સૂર્ય ખૂબ શાંત થઇ ગયા હતા, દેવતાઓ એ તેમને બકુલવન ના સ્વામી ઘોષીત કર્યા, આમ સૂર્યદેવ નુ એક શાંત સ્વરુપ બકુલાદિત્ય કહેવાય છે.
આ મંદિર પર મુસ્લીમ સંતલત કાળ દરમીયાન ઘણા આક્રમણો થયા છે, જેમા એક મુખ્ય આઝામખાને ઇ.સ. ૧૬૪૨ માં આક્રમણ કર્યુ હતું ,એ પછી ઇ.સ.૧૬૯૦ માં ઔરગંઝેબ દખ્ખણ મા મથક રાખી મરાઠાઓ સામે લશ્કરી ચડાઇઓ મા રોકાયેલો રહેતો, મારવાડ માં દુર્ગાદાસ રાઠોડ નો પ્રતિકાર વધતો જતો હતો અને ગુજરાત મા કાઠી દરબારો ની પાળો ધંધુકા,ધોળકા અમદાવાદ અને ઉ.ગુજરાત સુધી તેમના વિસ્તારો ને ઘમરોળવા ખેપો કરતી અને વિસ્તારો ને જીતી લેતી, આથી ઔરંગઝેબે કારતલબખાન ને ‘શુજાતખાન” નો ખિતાબ આપી ગુજરાત ની સુબેદારી અને જોધપુર ની ફૌજદાર સંયુક્ત કરવા નિર્ણય કર્યો, તે ૬ મહિના જોધપુર અને ૬ મહિના ગુજરાત રહેતો દુર્ગાદાસ રાઠોડ સાથે તેની છુટી છવાઇ લડાઇઓ ચાલ્યા કરતી, કટ્ટર ઇસ્લામ ના નામે મુર્તિપુજા ના વિરોધ સાથે અને ખંડણી ઉઘરાવવા તથા કાઠીઓના પાળો થી ત્રાસી ઇસ.૧૬૯૦ મા સુબો કરતલબ ખાન અન્ય સ્થાનીક રીયાસતો ને સાથે રાખી ને પ્રબળ આક્ર્મણ કર્યુ, સાડા ૩ દિવસ યુધ્ધ ની સતત ટક્કર આપી કાઠી દરબારો એ મુર્તિ સલામત સ્થળે ખસેડી લિધી અને જય સૂરજ નારાયણ ના નાદ સાથે કેસરીયા કર્યા પણ તેમની આખરે હાર થઇ અને મંદિર ને પણ ઘણુ નુકસાન થયુ, તેની યાદ માં કાઠી દરબારો વૈશાખ સુદ-૧ થી ગણેશ ચોથ સુધી ઉપવાસ કરે છે.
જૂના સૂરજ દેવળ ઘણુ પુરાતન છે, કાઠીઓ દ્વારા નિર્માણાધીન મંદિર ની મુર્તિ દ્વિભુજ અને ઉભેલી સ્થીતી માં તથા પદ્મ ના લાંછનવાળી છે,ગર્ભગ્રુહ માં દેવ તેમના અનુચરો (પાર્ષદો) સહિત સમભંગ મા ઉભેલી પ્રતિમા છે. જેણે પાસાવાળો કરંડમુકુટ, મકર કુંડળ, પાંદડીયુક્ત હાંસડી તથા દ્વિસેરી પ્રલંબહાર અને યજ્ઞોપવિત પહેરેલુ છે, છાતી ની મધ્ય માં શ્રી વત્સ નુ ચિન્હ જણાય છે જ્યારે ભાલ માં વૈષ્ણવ પ્રકાર નુ તીલક છે, સૂર્યદેવ ની છાતી પર બખ્તર અંકિત થયુ છે, કોણી થી વાળેલા દ્વિભુજ હસ્ત વિકસીત સનાળ પદ્મ ધારણ કરેલા છે,જેની પાંખડીઓ ને આરાઓ વડે દર્શાવી છે,તેમના કટી પર કટવલય છે જ્યારે કટી પર અલંકૃત કટીબંધ તથા ઊરુદામ(કેડ થી સાથળ પર લટકતી મોતી ની માળા) દ્રષ્ટીગોચર થાય છે.કટીવસ્ત્રના બંને છેડાઓ પગ ના આગળના ભાગે મધ્ય માં ઝુલતા છે અને સુંદર વલ્લી લટકતી છે તથા લાંબી વનમાળા ઢીંચણ પર ઝુલે છે. દેવના મસ્તક પાછળ નુ પ્રભામંડળ વૃતકારે તથા બે પંક્તિઓ મા આરાઓ વાળુ અંકિત થયેલુ છે.પગ માં મોજા સહિત ના હોલબુટ છે, સૂર્યદેવ સાથે તેમના અનુચરો છે જેમા દંડ અને પિંગળ છે, પ્રતિમા નો ઝીણવટભર્યો અભ્યાસ કરતા તેના શરીર ના પ્રમાણમાપમાના લાંબા પગ તુરત નજરે પડે છે, ભરાવદાર ગાલ પરની મોટી ચમકતી ખુલ્લી આંખો તથા મુખ પર ધીમુ હાસ્ય વરતાય છે.
જૂના સૂરજદેવળ ના ગર્ભગ્રુહે ભગવાન સૂર્ય ની ડાબી બાજુ ની સ્વતંત્ર પ્રતિમારુપે સૂર્યાણી(રાંદલ)માતા ની છે,ભૌમીતીક આકૃતીવાળો મુકટ,પુષ્પાકૃતી ગોળ કુંડળ,ગ્રીવા,પાંદડીઓ યુક્ત હાંસડી તથા પ્રલંબહાર કેયુર,બલૈયો,ચુડો,અલંકૃત કટીમેખલા તથા લાંબી વનમાળા ઉપસાવેલિ જણાય છે,હાથ ટટ્ટાર અને પદ્મદંડી પકડેલ છે,ડાબા હાથ માં આકૃતી વાળુ બિજોરુ ફળ દ્રષ્ટીગોચર થાય છે,રાંદલમાં આસપાસ એક એક રાંદલમાં ના આભુષણો ની છાંટ વાળી અનુચારીકા ઉભી છે,જેનો દેવી તરફ નો એક હાથ ઉંચો છે અને બિજા કોણી થી વાળેલા હાથમાં કંઇક ઉપકરણ ધારણ કરેલુ છે,ખુલ્લી આંખો અને સ્મીત ની મુદ્રા માં દેવી રન્નાદેમાં ના હાથ મા કટવલય ના સ્થાને જોવા મળતા બલૈયા ચુડા નુ આલેખન લોકકલા ના તત્વભાવ રજુ કરે છે.
જુના સૂરજદેવળ માં બહાર ના મંડોવર ની દિવાલ પર ના શિલ્પખંડો માં પશ્ચિવ્મ, ઉત્તર અને દક્ષીણે બે સ્તંભીકા ના મધ્ય માં સમભાગ મા ઉભેલી સૂર્ય પ્રતિમા આવેલી છે.જેમા તેમણે કરમુકુટ કુંડળ,ગ્રવેચક હાર અને યજ્ઞોપવિત ધારણ કરેલિ છે,કોણી થી વાળેલા દ્વિભુજ હસ્ત મા સનાળ પદ્મ છે,જે કર્ણ સુધી ઉંચા છે,વનમાળા ઢીંચણ સુધી ની લાંબી છે,દેવ ના ડાબે જમણે પગ પાસે એક એક પત્ની દર્શાવાયા છે. અહિ મંદિર ની બહાર ના ભાગે પણ શિલ્પખંડમાં સૂર્ય અને તેમના અનુચરો દંડ તથા રાજ્ઞી બચવા પામ્યા છે અને સૂર્યાણી ના શીલ્પ છે જે જિર્ણ થઇ ગયા છે કોઇ ને ન નમનાર અડાભીડ કાઠીઓ એ આહિ મસ્તક નમાવ્યા છે.
કંડોળા ટેકરી ઉપર બનેલા આ મંદિરે જવા, ચડવાની શરૂઆત કરીએ તો પ્રાચીન અવશેષો નજરે ચડે છે. મંદિરની બંને બાજુએ અસંખ્ય પાળિયા છે જેમા અંકિત કૃતિઓ માં રથારુઢ, અશ્વારોહિ અને પદાતિ સૈનીકો ના છે. પ્રાચીન દેવાલય હોવાથી પુરાતત્વ ખાતા હસ્તક છે, પાળિયા પરના લખાણો કાળની થપાટો ખાઇને ભુંસાઈ ગયા છે. મંદિરના પગથીયા પાસે એક સ્થળે લાંબા પટ્ટા પર લખાણ લખેલું છે. બ્રાહ્મી લીપીનુ આ લખાણ હાલ અક્ષરો ઉકલી શકે તેવી હાલતમા પણ નથી.મંદિર મા સમય સમય પર ઘણા ફેરફારો થયા છે આ થી મંદિર નો સમય નક્કિ કરવા મા તકલિફ પડે છે. હાલ માં મંદિર શીખરબંધ નથી પણ ગુંબજ ધરાવે છે.મંદિર ના એક જુના અભીલેખ મા સવંત વિ.સવંત ૧૪૩૨(ઇ.સ. ૧૩૭૬) બુટડ લાખા ના પુત્ર સીમ્હા એ ફરી બંધાવ્યુ જેથી ૧૪ મી સદિ મા પુર્ણોધ્ધાર થયો જે તેના મુળ સ્વરુપ થી અલગ હતુ.
-:અભીલેખ નુ વાંચનઃ-
*“१४३२ वर्षे वैसाषसुदि ९ सो बूटडला|षीआ पुत्र सीह कासप तंबुका उपड दंतकाढी दागरि पाला नाणा काडीयो संकर उदव नंडां भान माहाराज.”*
ડુંગરાળ સીમ અને ચારેબાજુ વગડાની વચ્ચે ગઢથી આરક્ષિત જુના સુરજ દેવળના મુખ્ય દેવાલયની આસપાસ નવ ગ્રહો,વરાહ,અપ્સરાઓ યોધ્ધાને હાર પહેરાવતી હોય તેવા શિલ્પો પણ મંદિરની દીવાલ માં છે. મંદિરની આસપાસ કોઈ મોટી નગરીના અને તેના વિશાળ ગઢ હશે તેવા અવશેષો નજરે પડે છે. જમીનની નીચે ગુપ્ત ભોયરાઓ અને શેરીઓ હોવાના ચોખ્ખા પુરાવા છે. અહિયા લગભગ ૧૫૦ ફૂટ ઉંડી એક જૂની વાવ છે. ઈજનેરીને લગતા બેનજુન નમુના રૂપ ગઢની રચના જોવા મળે છે.
નવગ્રહો નો શીલ્પપટ્ટઃ
*सूर्यः सोमो मंडलश्च बुद्धश्चाथ बृहस्पतिः।*
*शुक्रः शनैश्चरो राहुः केतुश्चेत गुहा स्मृता।।*
અહિ શરુઆત મા બ્ર્હમા ત્યારબાદ સૂર્ય થી બ્રહસ્પતી(ગુરુ) મધ્ય મા શીવ અને ત્યાર પછી શુક્ર થી રાહુ અને છેલ્લે વિષ્ણુ નો ગવાક્ષ છે,આમ દુર્લભ પટ્ટ ની વિશેષતા એવા ત્રીદેવ સાથે નો શીલ્પ પટ્ટ છે,ત્રીદેવ ચતુર્ભુજ અને સ્થંભીકા ના મધ્ય મા ગવાક્ષ માં છે અને નવગ્રહ દ્વિભુજ દર્શાવાયા છે.આ પટ્ટ મા ગ્રહ તરીકે રહેલા સૂર્ય પદ્મધારી છે, કેતુ સર્પપૃચ્છાકૃતી અંકિત,પાર્શ્વમુખી તથા મસ્તક પર સર્પછત્ર અંકિત અંજલી મુદ્રા માં છે,રાહુ મોટા મસ્તક સ્વરુપે છે સાથે બિજા ગ્રહો એક લટકતા હાથ મા કમંડળ પાત્ર સાથે છે અને ઉપર ઉઠેલા હાથ મા રહેલુ ઉપકરણ સ્પષ્ટ થતુ નથી કદાચ એ માળા હોઇ શકે છે એક એવી બિજી વિશેષતા કાઠી ક્ષત્રિયો દ્વારા જુની રાજધાની કંથકોટ મા નિર્મીત સૂર્યમંદિર ના શિલ્પ પટ્ટ મા આઠ ગ્રહ નુ આલેખન હતુ જેમા કેતુ અદ્રશ્ય છે.દેવળ ફરતે દેરીઓ મા વિષ્ણુ ના દસ અવતાર ના અવશેષો છે.
સૂર્ય પ્રતિમા મા ડાબે જમણે પગ પાસે જોવા મળતા અનુચર(પ્રતિહાર) એ દંડ અને પીંગળ છે,જે તેમની સતત સેવા મા હોઇ છે, દંડ દેવસેના ના અધિનાયક હોવાના કારણે દંડધારી અથવા ખડગધારી છે અને દંડ આપવા ના અધીકારી છે,અને ઘણી જગ્યા એ દંડ એ યમ એવુ પ્રતિપાદિત થયુ છે,જ્યારે પીંગળ એ કર્મો ના સાક્ષી છે આથી એમના એક હાથ મા કલમ અને બીજા હાથ ના સાહિ નો ખડીયો છે.આ સીવાય અન્ય અનુચરો પણ વિવિધતા પુર્વક દર્શાવાતા હોઇ છે, સૂરજદેવળ ગર્ભગ્રુહ ની સૂર્ય પ્રતિમા મા સાથે દંડ પીંગળ દર્શાવ્યા છે. જેમા તેમણે ખડગ પકડેલુ છે. સાથે એક અનુચર સાથે અશ્વાકૃતિ પણ છે,
મોટેભાગે સૂર્ય સાથે તેમના અનુચરો સહિત બુટ પહેરેલા દર્શાવામાં આવે છે જો કે શીલ્પ શાસ્ત્ર મા આવુ કોઇ વિધાન નથી પણ મોટા ભાગ ના શાસ્ત્રો માં સૂર્યમુર્તિ ના પગ ના જોવા એ અંગે દર્શાવાયુ છે આથી શીલ્પીઓ બુટ અથવા વસ્ત્ર ના આવરણ સાથે ઢકાયેલા પગ આધારીત શીલ્પકૃતિ રચતા.
સૂર્યમંદિર ની ગર્ભગ્રુહ ની દિવાલો પર સુશોભન કૃતીઓ ના ત્રણ થર છે, જેમા મધ્ય થર માં પદ્મપતો ની આકૃતી છે અને ઉપર ના થર માં કલશ તથા ગવાક્ષ થરો નુ (ચૈત્યવાતાયનની) અલંકરણ છે,મંડોવર ની બહારની બાજુએ ઉત્તર,પશ્ચિમ અને દક્ષીણે સૂર્ય અને એમની બે પત્નીઓ ના શીલ્પ કંડારેલા છે
જૂના સૂરજદેવળ મંદિર ની જગતી પર ની દેવકુલિકા માં સૂર્યપુત્ર અને અશ્વોના દેવ રેવંત ની મુર્તિ હતી એવો ઉલ્લેખ મળે છે.
સૂર્ય મુર્તિ ના લક્ષણો બાબત કવિ પણ લખી ગયા છે
*”બહુ લખણો સોને મઢ્યો, મનખ્યા દે અવતાર*
*પગ મા જોડા પહેરીયા, તેં કશ કિધી કીરતાર”*
આ મંદિર માં શિખરના બદલે ગોળ ઘુમ્મટની રચના વિશેષ પ્રકારની લાગે છે. વાળોજીએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. કાળ ક્રમે તેમાં ફેરફાર અને પરિવર્તન થતાં ગયા છે. મંદિર ના ગર્ભગૃહનો મંડોવર જુનો છે. આગળની મુખ ચોકી ગીરનાર પરના અંબાજી અને મહારાજ અશોકના પૌત્ર સંપ્રતરાજાના મંદિરના ઝરુખા ને મળતી આવે છે. મુખ્ય મંદિરની બાજુની જે નાની દેરીઓ છે તેના ગવાક્ષો માં સુંદર શિલ્પો છે. આ સિવાયના મોટા ભાગના શિલ્પો ખંડિત છે.
સુર્ય જેમ સ્વતંત્ર દેવતા તરીકે પુજાય છે તેવીજ રીતે નવ ગ્રહ પૈકી એક ગ્રહ તરીકે પણ પુજાય છે. માંગલિક પ્રસંગે ગૃહ શાંતિ માટે કરવામાં આવતી પૂજા માં સુર્ય પૂજા નો સમાવેશ થયો છે.
અથર્વવેદ માં કહેવામાં આવે છે કે
“હે સુર્ય !ઉદય પામો, ઉદય પામો!
મારે માટે પ્રતાપી તેજ થી ઉદય પામો,
જેને હું નજરે નિહાળું છુ, અને નથી નિહાળતો,
તે સર્વ પ્રત્યે મને સુમતી પ્રદાન કરો.
સૂરજદેવળ (થાન) નુ ભગવદ ગો મંડલ મા વર્ણનઃ સૌરાષ્ટ્રના પાંચાલમાં થાન પાસે આવેલું કાઠીઓનું તીર્થ તરીકે ઓળખાતું સૂર્યદેવનું મંદિર. કંડોળિયા હનુમાનથી અરધોક માઈલ ઉત્તરે ઈશાન ભણી ચાલતાં આ રમ્ય અને અલૌકિક સ્થાન આવેલું છે. સૂર્યદેવ કાઠી દરબારોના ઇષ્ટદેવ છે. તેની પ્રતિતી કરાવતું આ દેવળ કોઈ સારા ગણિતશાસ્ત્રી અને ખગોળશસ્ત્રીની સરદારી નીચે બંધાયેલું હોય તેમ જાણવા મળે છે. દેવળના પૂર્વ દરવાજા ઉપર એક અર્ધગોળ બારી ગણતરી કરીને એવી રીતે મૂકવામાં આવી છે કે પાંચાલમાં પગરણ કરતા સવિતાનારાયણનાં કોમળ રશ્મિઓ પહેલવહેલાં ભગવાન સૂર્યની મૂર્તિના મુખકમળ ઉપર જ પડે છે અને પછી જ પાંચાલની પવિત્ર ભૂમિકા ઉપર પડે છે. આ બારી, બારીની પથ્થરની બેઠકો એ બધું એટલું તો ઉપયોગી સ્થળ છે કે ત્યાંથી આખાયે પાંચાલમાં દૃષ્ટિપાત કરી શકાય. દર શ્રાવણ વદિ સાતમ આઠમનો મેળો થાનના નાગરિકો અહીં ભરે છે. આ બારી ઉપર બેસીને ચોકીદાર સુખચેનથી ચોકી કરી શકે છે. દેવળમાં કાળા પથ્થરની બે મૂર્તિઓ છે. એક બકુલાર્ક સૂર્યની અને બીજી રાંદલની .નીચેના ભાગમાં સારથિ અરુણને પધરાવવામાં આવ્યા છે. ઉપરાંત ઘુમ્મટ, ભોંયરાં, પથ્થર ઉપરનું સાદું શિલ્પ, જૂનું ચણતર આ સઘળાંનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. દેવળ ફરતો આઠ દસ ફૂટ પહોળો રસ્તો છે. રસ્તા ઉપર બે ચાર માણસો સહેલાઈથી બેસી શકે તેવા ઊંડા ગોખ છે.
કોઇપણ અપવાદ વિના કાઠી દરબારો એકમાત્ર સૂર્ય ને પ્રાધાન્ય આપે છે,તેઓના પત્રવ્યવહાર મા સૂર્ય ની ચિત્ર આકૃતિ મુકે છે, તેઓ તેમના આરાધ્ય ઇષ્ટદેવ છે તેમના જીવન મા ઔતપ્રોત છે, સૂર્યદેવ ની માળા ફેરવતા કે ઉગતા સૂરજ ના તેજપુંઝ ના પડદા ધરતી ઉપર પાથરાયા હોઇ ત્યારે ઓવારણા લેતા દુહા સ્મરે છે,
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!
સૂર્યદેવ નુ ભરત કંડાર મા પણ વિશેષ મહત્વ છે, સૂરજ સ્થાપન ભરી ગોખ મા પુજા ના સ્થળે મુકાય છે,તેમને ભાખરીયા દેવ પણ કહે છે, વળી લગ્ન પ્રસંગે કાઠીયાવાડ ના કાઠી દરબારો ના ઘરે તેમજ તેમનુ અનુકરણ કરી ને અન્ય સમાજ માં વહેલી પરોઢે પ્રભાતીયા પણ ગવાય છે.
“સૂરજ ઊગ્યો રે કેવડીયાની ફણસે,કે વહાણેલા ભલે વાયાં”
સાભાર અને સંદર્ભઃ- સૂર્યમુર્તિ અંતર્ગત તારણો
કંડોળ પુરાણ,સ્કંદપુરાણ
સૂર્યમંદિર વિશેષાંક
સુરેન્દ્રનગર જીલ્લોઃ એક ઐતિહાસીક આલેખન
ઉગતા રેજો ભાણ
પૌરાણીક સૂર્ય
પથીક
સ્વાધ્યાય
ભગવદ ગો મંડલ
સૂર્યસુક્ત