**
ભંડારીયા દાદાની પવિત્ર ધરતી ઉપરથી આજની પોસ્ટ…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાનકડા ગામ ઘનશ્યામનગર (આદસંગ)ના વતની અને વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલા પાટીદાર યુવાન રણછોડભાઈ સાવલિયાની આ તસવીરો છે ત્યારે એમની સફળગાથા રજૂ કરવા જઈ રહ્યો છું માટે અંત સુધી આ પ્રેરણાદાયી સ્ટોરી વાંચવા નમ્ર વિનંતી…
આદસંગ ગામમાં સાવલિયા પરિવારના ઘરે ભંડારીયા દાદાની કૃપાથી એક દીકરાનો જન્મ થાય છે અને નામ આપવામાં આવે છે રણછોડ. ખૂબ સંઘર્ષ કરી જીવન પસાર કરતાં આ સાવલિયા પરિવારનું બાળક થોડું ઘણું બીમાર પડી જાય એટલે આ પરિવાર પગપાળા માનતા માનવા ભંડારીયા દાદાના ચરણોમાં અવારનવાર જાય છે અને દાદા કૃપાથી બાળક સ્વસ્થ બને છે. ધીમે ધીમે બાળક યુવાન બને છે અને કિસ્મત અજમાવવા પરિવાર સાથે સુરત આવે છે. શરૂઆતમાં સામાન્ય નોકરી ધંધો કરતો આ યુવાન પોતાની સુઝબૂજ,આવડત અને સખત મહેનતના કારણે જાણીતો ચેહરો બની જાય છે. બધા જ પક્ષના રાજકીય નેતાઓ સાથે સબંધો બનાવી આગળ વધે છે. સાથોસાથ માતપિતાએ આપેલા સંસ્કારો પણ જાળવે છે અને એવા સમયે પિતાની છત્રછાયા ગુમાવે છે પરંતુ હિંમત હાર્યા વગર સતત પ્રગતિ કરે છે. પરિવાર પહેલાંથી જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ હોવાથી સંપ્રદાયના સંતોના આશીર્વાદ મળતાં રહે છે. ત્યારબાદ અમરગીરીબાપુ (ગરાળ), શેરનાથબાપુ (જૂનાગઢ) વગેરે અનેક સંતોના કૃપાપાત્ર બની ધાર્મિક કાર્યક્રમોનું અવારનવાર આયોજન પણ કર્યા કરે છે. ગુજરાતના મોટા ભાગના નામાંકિત કલાકારો સાથે નિકટતા કેળવી પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો પણ કરતાં રહે છે. અમારું ઘનશ્યામનગર(આદસંગ) ગામ ખૂબ નાનું છે તેમછતાં આ ગામમાં વંદનીય સાધુ-સંતો સહિત અનેક વિભૂતિઓ આવી ચૂકી છે અને તેમનો મોટા ભાગનો શ્રેય આ પાટીદાર યુવાન રણછોડભાઈ સાવલિયાને જાય છે…
વતનમાં આવે ત્યારે પહેલાં ભંડારીયા દાદાના દર્શન કરી પછી જ ગામમાં આવે અને દર નવા વર્ષની વહેલી સવારે પરિવાર સાથે પગપાળા દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા જાય છે. ભાગવત સપ્તાહો, યજ્ઞો, લોકડાયરાઓ વગેરે ધાર્મિક સામાજિક કાર્યો અવારનવાર કરી લોકચાહના મેળવી છે. બહોળું મિત્ર સર્કલ ધરાવતા આ નવયુવાનને મિત્રો સહિત માતા કંચનબેન, ધર્મપત્ની ચંદ્રિકાબેન, પુત્ર ભાર્ગવ અને પુત્રી રૂચિતાનો પણ પૂરતો સહયોગ મળી રહે છે…
મિત્રો, આ સ્ટોરી લખવા પાછળનું કારણ એટલું જ છે કે સામાન્ય પરિસ્થિતિ વચ્ચે શૂન્ય માંથી સર્જન કરનાર આ રણછોડભાઈ હજુ પણ સામાન્ય માણસ તરીકે જ જીવે છે. ઈશ્વરે આપેલી અનેકગણી સંપત્તિનો સદુપયોગ કરી રહેલા આ યુવાનમાં તમને ક્યારેય પણ અભિમાન જોવા નહીં મળે ત્યારે આવી વ્યક્તિ માંથી પ્રેરણા લઈ આજકાલના યુવાધનને આગળ વધવું જોઈએ. ઘણી વખત વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની જગ્યાએ આત્મહત્યા જેવું અઘટિત પગલું ભરતા લોકો માટે આ સંતપ્રેમી, ભજનાનંદી રણછોડભાઈનું જીવન પ્રેરણા આપી શકે છે…
આ 46 વર્ષના પાટીદાર યુવાન રણછોડભાઈ સાવલિયા સહિત આપણાં સૌ કોઈ પર મહાન સંત ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલ ભંડારીયા દાદા અને માં ખોડલની કૃપા કાયમી બની રહે એજ પ્રાર્થના સાથે…
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520