ઇન્ડીયન એરફોર્સ અને રોજગાર કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરની વિવિધ શાળા અને કોલેજોમાં તા.૪ અને તા.૫ ડિસેમ્બરના રોજ અગ્નિવીર વાયુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૪/૧૨/૨૦૨૩ ના રોજ સવારે શ્રી ગોજીયા શૈક્ષણિક વિદ્યાલય જામનગર ખાતે ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓને, શ્રી વી.એમ.મહેતા પંચવટી કોલેજ ખાતે ૮૦ જેટલા વિદ્યાર્થીઓને ત્યારબાદ આઇ.ટી.આઇ જામનગર ખાતે પણ આ અગ્નીવીર વાયુ વિશે માર્ગદર્શનલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦થી વધુ તાલીમાર્થીઓએ હાજર રહીને કારકિર્દીલક્ષી માહિતી મેળવી હતી. તા.૦૫/૧૨/૨૦૨૩ના રોજ જામનગર મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે પણ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ સાથે મળીને ઉપરોક્ત મુજબ સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી અગ્નીવીર વાયુ સેમીનારમાં શરૂઆતમાં દરેક હાઇસ્કુલ અને કોલેજના આચર્યશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવેલ. ત્યારબાદ સિક્સ એરમેન સિલેકશન સેન્ટર મુંબઈ ઇન્ડીયન એરફોર્સથી પધારેલા પ્રતિનિધિશ્રી સાર્જન્ટ ગણેશ ચૌધરી અને કોરોનલ ભંવર સિંગ દ્વારા અગ્નિવીર વાયુ વિષે સિલેકશન પ્રક્રિયા જરૂરી લાયકાત અભ્યાસ શારીરિક ધોરણો વિષે વિસ્તૃત માર્ગદર્શન માહિતીઓ આપવામાં આવી હતી. મદદનીશ નિયામકશ્રી (રોજગાર) દ્વારા સંરક્ષણ દળોના માર્ગદર્શનલક્ષી સેમિનારો દરેક હાઇસ્કુલ અને કોલેજોમાં વધુને વધુ થાય અને વિદ્યાર્થી મિત્રો સંરક્ષણક્ષેત્રમાં ભવિષ્ય ઉજળું બનાવે કારકિર્દીનું ઘડતર કરે તે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જામનગરની શાળા અને કોલેજોમાં કુલ ૪ સેમિનારો કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામકશ્રી (રોજગાર) સુશ્રી સરોજબેન સાંડપા, વીજી કાઉન્સેલરશ્રી ધ્રુવરાજસિંહ જાડેજા, એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.