રાજકોટ તા. ૦૭ ડિસેમ્બર – રાજયના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૧, ૧૨ અને ૧૮મા કુલ રૂ. ૩.૫૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
જેમાં વોર્ડ નં.૧૧ ખાતે સરદારનગર કો.ઓપ.હાઉસિંગ સોસાયટી તથા નહેરૂનગર સોસાયટીની શેરીના રસ્તાઓ પર આશરે રૂ.૯૯.૦૦ લાખના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવાના કામ તથા વોર્ડ નં.૧૨ ની જે.કે.સાગર સોસાયટી તથા અન્ય સોસાયટીના રસ્તા પર અંદાજિત રૂ.૧૦૦.૦૦ લાખના ખર્ચે ડામર કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તદુપરાંત, મંત્રીશ્રીના હસ્તે વોર્ડ નં.૧૮ તાલુકા શાળા રોડથી સ્વાતિ પાર્ક સોસા. સુધી અંદાજિત રૂ.૬૭.૦૦ લાખના ખર્ચે તૈયાર થનાર વરસાદી પાણીની લાઈન નાખવાના કામ તથા કોઠારીયા ગામતળમાં અંદાજિત રૂ.૯૦.૦૦ લાખના ખર્ચે મેટલીંગ કરવાના કામ મળી કુલ ૩૫૬ લાખના ખાતમુહૂર્ત કરી લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જૈમીન ઠાકર, દંડકશ્રી મનીષભાઈ રાડિયા તથા શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, પૂર્વ મેયરશ્રી પ્રદિપ ડવ તથા વિસ્તારના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.