ગોંડલ નેશનલ હાઇવે ઉપર ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ ચક્કાજામ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. ગોંડલ તા. ૧૪: ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધીના વિરોધમાં તથા ડુંગળીના અપુરતા ભાવના વિરોધમાં આજે સવારે હાઇ-વે ઉપર ડુંગળી ફેંકીને, ડુંગળીના કોથળા મુકીને તથા ઢગલા કરી અને પથ્થરો મુકીને ખેડૂતો એ ચક્કાજામ કરતા દોડધામ મચી ગઇ હતી.
છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી સહિતના મુદ્દે વિરોધ ઠાલવવામાં આવી રહ્યો છે. અને ઠેર-ઠેર આવેદનપત્ર પાઠવીને રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આજે સવારે ગોંડલ નેશનલ હાઇ-વે ઉપર માર્કેટીંગ યાર્ડ પાસે ખેડૂતોના ટોળેટોળા એકત્ર થયા હતા અને ડુંગળીના અપુરતા ભાવ અને નિકાસબંધી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો વિફર્યા હતા ડુંગળીનું એકસપોર્ટ બંધ થતા વેપારી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ડુંગળીનું એકસપોર્ટ બંધ થતા વેપારી ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની નોબત આવી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ખેડૂતોના વિરોધ અને ચક્કાજામને લઇને પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પુર્વવતઃ કરવા કામગીરી શરૂ કરી હતી