Ø રાજકોટમાં બાર વર્ષ પહેલાં બાપુએ એક પુસ્તક વિમોચન સમારોહ દરમિયાન કથા કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો : લેખક,પ્રો.ડો.સુનીલ જાદવ
આગામી તા.23 મીથી રેસકોર્સ મેદાન ખાતે “માનસ સદભાવના કથા“ નો રામમય વાતાવરણમાં પ્રારંભ થશે, રાજકોટમાં પ્રખર રામાયણી મોરારીબાપુના વ્યાસાસને લગભગ બાર વર્ષ પછી આ કથા યોજાઈ રહી છે, આજથી બાર વર્ષ પહેલા બાપુએ રાજકોટમાં યોજાઈ ગયેલા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમ દરમિયાન બુદ્ધથી બાબા આંબેડકર સુધી સમરસતા અંગે નવ દિવસની કથા કરવા વિચાર વ્યક્ત કર્યો અને રાજકોટના એ સમયે સાહિત્યકારો, દાતાઓ અને વિવિધ સમાજના સંગઠનોએ બીડું ઝડપી લીધું હતું.આ કથા પણ રેસકોર્સના વિશાલ મેદાનમાં જ યોજાઈ હતી.
બાર વર્ષ પહેલાની આ પ્રસંગની સ્મૃતિ તાજી કરતા કાલાવાડ કોલેજના એસોસિએટેડ પ્રોફેસર, લેખક અને મોટિવેશનલ સ્પીકર ડો. સુનિલ જાદવે જણાવ્યું હતું કે, “મારા એક પુસ્તકના વિમોચન સમારોહમાં બાપુની પાવન ઉપસ્થિતિ હતી, એ સમયે પદ્મશ્રી ભીખુદાનભાઈ સહિતના લોક સાહિત્યકારો, સાહિત્યકારો હાજર હતા બાપુએ પોતાના વક્તવ્ય દરમિયાન એવો વિચાર વ્યસ્ક્ત કર્યો કે સમરસતા વિષે બોલવા માટે તો એક દિવસ ઓછો પડે, આના માટે તો નવ દિવસ બોલીએ તો પણ ઓછું લાગે. બાપુના આ વિચારને ઉપસ્થિત મહાનુભવોએ વધાવી લીધો અને રાજકોટમાં ખાસ સમરસતા માટે બાપુની કથા યોજાઈ હતી, મને આજે એ બાર વર્ષ પહેલાની કથાનું બીજ મારા પુસ્તક વિમોચન સમારોહમાં વવાયું હતું એનું આજે પણ ગૌરવ થાય છે અને બાર વર્ષ પહેલાના એ દિવસો અને કથાના એક એક દ્રશ્યો આજે પુનઃ તાજા થઇ રહ્યા છે . એ કથા વખતે વિવિધ સમાજના પ્રતિનિધિઓને આરતી પણ ઉતારવાનો લ્હાવો મળ્યો હતો, એ દ્રશ્યોમાં “ એક રાજકોટ,નેક રાજકોટ” ના દર્શન થતા હતા.”
સદભાવના વૃદ્ધશ્રમના વિશાળ નવા સંકુલ અને વૃક્ષારોપણના અભિયાનના લાભાર્થે “માનસ સદભાવના” વૈશ્વિક રામકથા યોજાઈ રહી છે ત્યારે પર્યાવરણના મહત્વ અને વૃદ્ધાશ્રમની વર્તમાન સમયમાં કેમ જરૂરી છે તેની હકીકત ડો.સુનિલ જાદવે રજૂ કરી હતી.