સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને લખતર ખાતે ૭૮માં “સ્વાતંત્ર્ય પર્વ”ની શાનદાર ઉજવણી

લખતર તાલુકાનાં વિકાસ કામો માટે કલેકટરશ્રી દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો

૦૦૦૦૦

જિલ્લા સમાહર્તાશ્રી કે.સી.સંપટ:-

-રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસની અનુભૂતિ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ કરી રહ્યા છે

– વહીવટી તંત્રનાં પ્રત્યેક વિભાગ દ્વારા વિકાસના અનેક નવા શિખર સર કરવામાં આવ્યા

– જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે અનેક યોજનાઓનું અમલીકરણ થતાં ભૂર્ગભ જળ સપાટીનું સ્તર ઊંચું આવ્યું

– નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે આગળ પડતા જિલ્લા તરીકે ગણના થવા લાગી

– શહેરના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતાઓ ધરાવતો હોવા છતા પણ સુશાસનનાં પથ પર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે

૦૦૦૦૦

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:

આઝાદીના ૭૮માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ, લખતર ખાતે કલેકટરશ્રી કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના “સ્વતંત્રતા પર્વ”ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાશ્રી કે.સી.સંપટ દ્વારા દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મહામુલી આઝાદીના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા સમાહર્તાશ્રી કે.સી.સંપટે સૌ નાગરીકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્‍વતંત્રતા માટે જાન ન્‍યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો, અનેક નામી અનામી દેશભકત શહિદોનું સ્‍મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણે જે ધરા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છીએ એ લખતર સહિતનો વિસ્તાર ઝાલાવાડ પરગણાની રિયાસતો હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસની અનુભૂતિ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને પણ થઈ રહી છે. અવિસ્મરણીય વિકાસની દિશામાં મક્કમતાથી આગળ વધી રહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રનાં પ્રત્યેક વિભાગ દ્વારા વિકાસના અનેક નવા શિખર સર કરવામાં આવ્યા છે. જિલ્લાએ છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સ્વપ્નને સાચા અર્થમાં ગતિ આપવાનું કાર્ય કર્યું છે.

કલેકટરશ્રીએ જિલ્લાની વિકાસયાત્રા વર્ણવતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે અનેક મહત્વના પ્રયાસો અને યોજનાઓનું અમલીકરણ થયું તેનાથી સુકાભઠ્ઠ પ્રદેશ એવા ઝાલાવાડમાં ભૂર્ગભ જળ સપાટીનું સ્તર નોંધપાત્ર રીતે ઉંચે આવ્યું છે. પાણી પુરવઠાની જુદી જુદી યોજનાઓ થકી ઓછા વરસાદનાં કારણે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ખેતી ક્ષેત્રે પછાત ગણાતો હતો, જે હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે આગળ પડતા જિલ્લા તરીકે ગણાવા લાગ્યો છે. શહેરના ધોળીધજા ડેમને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સૌના સાથથી સાકાર કરી ભારત સાચા અર્થમાં વિશ્વગુરૂ બને તેવો ભાવ વ્યક્ત કરતાં સમાહર્તાશ્રીએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતાઓ ધરાવતો હોવા છતા પણ જિલ્લાનાં પાણીદાર લોકો અને કર્મયોગી અધિકારીઓ – કર્મચારીઓની મદદથી સુશાસનનાં પથ પર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે.

આ કાર્યક્રમ શૃંખલામાં કલેકટરશ્રી કે.સી.સંપટનાં હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૮ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લખતર તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર ૭૫ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં શ્રી જુગતરામ દવે પે સેન્ટર શાળા નં.૨ – લખતર, મોડેલ સ્કૂલ, લખત, સર જે. હાઈસ્કૂલ, ભાવગુરૂ વિદ્યાલય, બ્રિલિયન્ટ હાઈસ્કૂલ, એ.વી.ઓઝા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે પરિશ્રમ સ્કૂલ, લખતર નાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમન માઈમ કૃતિ રજુ કરવામાં આવી હતી. આ તકે રજૂ થયેલ તમામ કૃતિઓને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.

પરેડ કમાન્ડરશ્રીની આગેવાની હેઠળ કુલ ચાર પ્લાટુને ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પી.આઈ. શ્રી એમ.આર.પરમારના નેતૃત્વ હેઠળ પુરુષ પોલીસ પ્લાટુન, બીજા ક્રમે પી.એસ.આઈ. શ્રી એન.એસ. જોષીનાં નેતૃત્વના મહિલા પોલીસ પ્લાટુન અને ત્રીજા ક્રમે પી.એસ.આઈ. શ્રી એચ.એસ.જાડેજાના નેતૃત્વના હોમ ગાર્ડ જવાનો, ચોથા ક્રમે પી.એસ.આઈ. શ્રી એસ.જી.ગોહિલના નેતૃત્વ હેઠળ બેન્ડ પ્લાટુન જોડાયા હતા.

કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિવૃત્ત પ્રોફેસરશ્રી ડો.મુકેશભાઈ કલોતરા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રીઓ સર્વે શ્રી પી.કે.પરમાર, શ્રી કિરીટસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, લખતર રાજવી શ્રી દિગ્વિજયસિંહ ઝાલા, સર્વે અગ્રણીશ્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધનજીભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષકશ્રી ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ. એમ. ઓઝા સહિત વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More