પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યાનો આક્ષેપ – News18 ગુજરાતી

અરવલ્લી: માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. મોડાસાના અમરાપુર ગામમાં આજે વહેલી સવારે ગામલોકોને જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા છે. વહેલી સવારે જમીન કબ્જાની માપણી માટે પહોંચતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ વિવાદ મામલે બે દિવસ પહેલા પણ ગ્રામજનો દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વિસ્થાપિતોને માર મરાયાનો આક્ષેપ

પોલીસે સ્થાનિકો પર લાઠીચાર્જ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મોડાસાના અમરાપુરના વિસ્થાપિતોને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓ સહિત 50 જેટલા લોકોને નજર કેદ કરાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલો હાલ નિયંત્રણમાં આવી ગયો છે.

News18

મહિલાનો પોલીસ પર ગંભીર આરોપ

આ અંગે સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, અમને ચાર વાગ્યામાં સૂતા હતા અને ત્યાં જ 400 પોલીસ આવીને મારઝૂડ કરીને ગાડીમાં બેસાડી દીધા. પાંચ પાંચ વર્ષની છોકરીઓને લાફા માર્યા છે. 70 વર્ષની ડોશીને ધક્કા માર્યા તે બેહોશ થઇ ગઇ છે. તેમને કાંઇ થઇ જશે તો જવાબદારી કોની? પોલીસ, મંત્રી કે નેતાની રહેશે.

કોર્ટે લેખિતમાં આપ્યાનું જણાવાયું

આ અંગે અન્ય સ્થાનિકે પણ જણાવ્યુ છે કે, વર્ષ 2019માં કોર્ટ કમિશન નિમાયું હતુ. તે વખતે કોર્ટે લેખિતમાં આપેલું છે કે, ખેડૂતોને આટલા વર્ષનો કબજો છે. જે પછી કલેક્ટર સાહેબે રમેશભાઇને જમીન ફાળવી દીધી જ્યારે કબજો ભોગવટો અમારો હતો. 1952થી અત્યાર સુધી પાણી પત્રક પણ થયુ છે અને અમે અસરગ્રસ્ત છીએ. ત્યારે કલેક્ટર સાહેબે અમને લેખિતમાં આપ્યું છે. જે પછીનો હુકમ આવ્યો તે તદન ખોટો હુકમ છે.

News18

આ ઉપરાંત પણ તેમણે જણાવ્યુ કે, આજે પોલીસ માપણી માટે, કબજો માટે આવ્યા તે રાતે કેમ આવ્યા એ પણ મોટો સવાલ છે.

માહિતી પ્રમાણે, માઝૂમ જળાશયની વિસ્થાપિતોની જે જગ્યા છે તેની ઉપર ગામલોકો 1952થી વાવણી કરતા હતા. તેવા સંજોગોમાં આ જગ્યા સ્થાનિક વ્યક્તિને આપી દેવામાં આવી છે. આ અંગે કોર્ટ દ્વારા આદેશ બાદ માપણી કરવામાં આવી તે જગ્યા પર વિરોધ કરવામાં આવેલા ગામજનોને નજર કેદ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. આ ઘટનામાં પાંચથી વધારે લોકો ઇજાગ્રસ્ત છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More